2.14 - નવાઈ છે ને! / મુકેશ જોષી


સહુ પોતાના ટાપુ ઉપર સાવ એકલા શ્વાસ વિતાવે નવાઈ છે ને!
દિવસ નામનો છિદ્રોવાળો ફુગ્ગો સહુએ રોજ ફુલાવે નવાઈ છે ને!

કૂણો કોઈ છોડ ઊગે તો લીલું લીલું તાક્યા કરતી આંખો ક્યાં છે
દાદા જેવો આંબો કાપી ખુરશી એની લોક બનાવે નવાઈ છે ને!

મંદિરની બંધાતી વેળા દાન કરે એવું કે લોકો નમન કરે
રોજ પછી મંદિરમાં જઈને તકતીનાં દર્શન કરી આવે નવાઈ છે ને!

બે ઘડી એ જાય બગીચે, સળવળ હાથે ઘાસનાં તરણાં તોડી નાખે
ઘેરે આવી તુલસીક્યારે પાણી રેડી હાથ નમાવે નવાઈ છે ને!

ગરીબ કોઈ શાયર સામે રૂપિયાનું પરચૂરણ વેરી ગઝલ લખાવે
જે પોતાનાં હોય નહીં એ અશ્રુ ખુદને નામ છપાવે નવાઈ છે ને!


0 comments


Leave comment