3.1 - નવજાત સ્વપ્નનો જન્મ / મુકેશ જોષી


અચાનક
એક સ્વપ્નનું દુ:ખદ અવસાન થયું
હજુ ઉંમર ખૂબ નાની ને આશાસ્પદ
વહેવાર મુજબ શોકસભાનું આયોજન
દરેક અંગ શોકના સાગરમાં તળિયે જઈ બેઠું
આંખે વરસાવ્યો
વર્ખોયાન્સ જેવો ગરમ પ્રવાહ
જીભ થોથવાય થોથવાય
ને શબ્દ ભૂલી જાય
કંઠ ડૂસકાંઓમાં વ્યસ્ત
વાળને જાણે કાંસકા સાથે વર્ષોથી અણબનાવ હોય તેમ અસ્તવ્યસ્ત
નશીલી દવાઓના સેવનથી અનુભવેલો ઉત્તુંગ ઉન્માદ પછીથી
શક્તિપ્રપાત થયો હોય તેમ
લથડી પડેલા હાથપગ...
ને સૌની મદદથી
હૃદયના કબ્રસ્તાનમાં એ સ્વપ્નની લાશ દફનાવી દેવાઈ
શોકગ્રસ્ત ચહેરા
મનની હાલત મા જેવી
બાર દિવસનો શોક
તેરમા દિવસે
કાને શરણાઈસૂર
આંખે મેઘધનુષનૂર
હાથપગમાં સળવળતો ચેતનાનો હણહણતો ઘોડો
મનને ફરી પ્રસવપીડા
નવજાત સ્વપ્નનો જન્મ —
ને હું હજીય વિમાસણમાં
બાર દિવસના આ શોકમાં
મનનો કોની સાથે સમાગમ થયો?


0 comments


Leave comment