3.2 - વર્ષગાંઠ / મુકેશ જોષી


આ સળગતી ને ઝગમગતી મીણબત્તીઓને
મારે એક જ ફૂંકથી હોલવી નથી નાખવી
આ હૃદય આકારની કેક ઉપર છરી ચલાવી તેના
ટુકડેટુકડા કરી નાખવા નથી
બરફના લંબચોરસ ટુકડાઓને શરબતમાં ડુબાડી
ગૂંગળાવી નથી મારવા
હૈયામાં હવાનો ઉમંગ લઈ ઝૂમતા લાલ-પીળા ફુગ્ગાઓને
અચાનક ફોડી નાખવા નથી
લાંબી નેતરની પાતળી સોટીઓ લયબદ્ધ રીતે મારીને
(કે ફટકારીને) ઢોલકમાંથી ધ્વનિ ઉત્પન્ન કરવો નથી
આજે મારે કોઈના અસ્તિત્વ ઉપર પ્રહાર કરવો નથી
આજે મારે કોઈના અસ્તિત્વનો સંહાર કરવો નથી
કારણ કે
આજે મારી વર્ષગાંઠ છે


0 comments


Leave comment