3.4 - વીલ / મુકેશ જોષી


વર્ષોથી આમ જ, એકધારું, કંટાળ્યા વિના ચાલતું હૃદય
કદાચ થાકીને કોઈક ઘડીએ બંધ પડી જાય અને
શ્વાસોની અવરજવર બંધ થઈ જાય તે પ્હેલાં
જિંદગીભર ભેગી કરેલી ક્ષણોની દોલતનું વીલ કરતાં કલમ
સંપૂર્ણ સભાન છે એની ખાતરી કરી લઉં છું

જીવનની લીલી ક્ષણો,
પેલા હાંફી ગયેલા, માંડ માંડ બે ટાંટિયા મેળવતા
અને રાત પડ્યે જોરથી તમાચો મારી, દિવસભર ગાલને
લાલ રાખવા મથતા મધ્યમવર્ગને —
કોઈકને માટે હૈયામાં જાગેલો તલસાટ, વિરહ અને યાદોના અડાબીડ
જંગલમાં અટવાઈને...

આંસુ સારીને ભરેલાં તળાવો, અને
રોઈ રોઈને સૂજી ગયેલી આંખો, પાંપણની કપાઈ ગયેલી પાંખો
ને એવી બધીય અજંપાની મીઠી ક્ષણો
જગતના પ્રેમીઓને સમર્પણ —

ભિખારીઓના લંબાયેલા હાથમાં મૂકેલું સ્મિતનું ઝૂમખું
કોઈકનું દુ:ખ જોઈને આર્દ્ર હૈયે દેવાયેલું આશ્વાસન
ને જન્મજાત મળેલી દયાની ઠેરઠેર કરેલી વહેંચણી
દરેક ચહેરા પર સંતોષની ફૂલવાડીઓ જોવાની રહી ગયેલી
કાયમી ઝંખનાઓની બધી ક્ષણો
પોતાની મસ્તીમાં મસ્ત, નિર્લેપ, નિષ્કામી અને
આત્મરામમાં ડૂબનારા સાચા સાધુસંતોને અર્પણ —

છાતીની ધમણના સંકોચન-વિસ્તરણથી શરૂ થયેલો સંઘર્ષ
એમાંથી મળેલી મહત્તમ નિષ્ફળતાઓ, સ્વપ્નાંઓની લાંબી
વણજારને દૂરથી જ અલવિદા કરી દેવાની સર્જાયેલી લાચારીઓ
અકારણ ઘસાઈ જતું યૌવન
એમાં ફૂંકાયેલો અસ્તિત્વને છિન્નભિન્ન કરતો પવન
યૌવનસહજ તોફાનો અને મસ્તીઓ, તરવરાટ અને ઉન્માદ
જૂની પેઢી સાથે નવા જમાનાની તાસીર ઉપસાવવા કરેલી
ક્યારેક સાર્થક ને ક્યારેક વાહિયાત દલીલોની બધી ક્ષણો
જેની નસોમાં રક્તને સ્થાને લાવા વહે છે તે યુવાનોને —

જેણે લાખો અને કરોડો શ્વાસ કંઈ જ લીધા વિના
જીવવા આપ્યા, ને નાનપણથી જ હૃદયમાં રહેતો સતત ખાલીપો
જેના નામથી ભર્યો જેને જોવા, જાણવા, મળવા-માણવા ને
પામવા અવિરત ઊઠેલી આરઝૂઓ
સ્વપ્નોના પ્રદેશોનાં શિખરોથી કવિતાનાં લીલાંછમ મેદાનો
સુધી જેણે હાથ પકડીને રસ્તો દેખાડ્યો
હું જ તારું લક્ષ છું - સમજાવતો રહ્યો
જેની સૂરાવલીઓ ઠેઠ વૃંદાવનથી કાનના પડદા સુધી આવીને
રોમાંચિત કરતી રહી એ બધી જ મધુર મધુર ક્ષણો
પેલા ગોવાળિયા કૃષ્ણને નામે


0 comments


Leave comment