3.5 - વર્ષોથી / મુકેશ જોષી


હું હવાની લ્હેરનો ગાળિયો ભરાવી તને
પૂરા શ્વાસથી મારી તરફ ખેંચ્યા કરું છું
બાવડામાં સૂર્ય જાણે મીણ સમો પીગળી જાય છે
આંખ ખોલીને તારું મારા તરફનું સ્થળાંતર માપું છું
આ અંતર શૂન્ય જ રહે છે ને —

હજુ ગઈ કાલનો ઓળખીતો થયેલો પાણીનો રેલો
પગ નીચે આવીને મને હરણની ગતિએ તારાથી વિરુદ્ધ દિશામાં
ઘસડી જાય છે
સાલું આકાશ જોઈ રહ્યું છે પણ મદદની એકે બૂમ
સાંભળતું નથી
મારા લોહીમાં હવે બ્લૅકઆઉટની સાયરનો વાગ્યા કરે છે
હું તારાથી સરકીને મારી તરફ ખસી શકતો નથી
અને મારાથી સરકીને નર્યા હાડપિંજર જેવી જિંદગીને
ચૂસવાની અદિમવૃત્તિઓને શરણે થયો છું
કારણ મારો શિકાર થયો છે


0 comments


Leave comment