2.5 - દૃશ્ય – ૫ / અંક ૧ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(નેપથ્યમાંથી ધ્વનિ : પુત્રી, હસ્તિનાપુર ઉપર આવી પડેલી વિપત્તિમાંથી હવે તમે જ એને બહાર કાઢી શકો તેમ છો. કુળનો નાશ થાય એ પહેલાં એને જરૂર છે, એક ઉત્તરાધિકારીની. હું જાણું છું અપરિચિત એવા પુરુષનો સ્પર્શ કેટલો અસહ્ય હોય છે તે. ને આ કેવળ સ્પર્શની વાત નથી પણ સમર્પણની વાત છે. સમર્પણ વિના નિયોગ સફળ થતો નથી. આવતી કાલે, તમારા જેઠ આવશે, નિયોગ માટે. નિયોગ સફળ થાય એનો તમામ પ્રબંધ આ ક્ષણથી શરૂ કરી દો. મારા તમને આશીર્વાદ છે. મંચના એક ભાગ ઉપર પ્રકાશ વર્તુળ. અંબિકા દૃશ્યમાન)

અંબિકા : નિયોગ ? અને તે પણ મહારથી ભીષ્મ સાથે ?
(મંચના બીજા ભાગમાં ઉપર પ્રકાશ વર્તુળ. અંબાલિકા દૃશ્યમાન)
અંબાલિકા : ભીષ્મનું નામ સાંભળતા જ મન રોમાંચિત થઈ ઊઠે છે.
અંબિકા : માતા સત્યવતીએ કહ્યું હતું, આવતી કાલે એટલે કે આજે જેઠજી આવશે, નિયોગ માટે.
અંબાલિકા : મહારાજ વિચિત્રવીર્યના અગ્રજ અને મારા જેઠજી મહારથી ભીષ્મ સિવાય બીજું તો કોણ હોઈ શકે ?
અંબિકા : એ, એક જ તો છે.
અંબાલિકા : હા, એ, એક જ તો છે.

અંબિકા :
હું એ કલ્પના માત્રથી રોમાંચ અનુભવું છું, કે ભીષ્મ આવશે અને મને એમના આશ્લેષમાં...
અંબાલિકા : હું સમાઈ જઈશ એમની વિશાળ, ભુજાઓમાં.
અંબિકા : એ, વિશાળ, ભુજાઓના પુરુષાર્થથી તો એમણે સ્વયંવર સભામાંથી અમારું અપહરણ કર્યું હતું.
અંબાલિકા : ભીષ્મને ત્યારે પહેલી વાર જોયા હતા.
અંબિકા : તે દિવસથી આ ઘડીની જ પ્રતીક્ષા કરી છે.
અંબાલિકા : એ સત્ય છે, કે મારા લગ્ન મહારાજ વિચિત્રવીર્ય સાથે થયા.

અંબિકા :
એટલે, ભીષ્મ વિશે આવો વિચાર કરવો પણ...
અંબાલિકા : પાપ ગણાય. પણ મન ક્યાં પાપ અને પુણ્યનો ભેદ જાણે છે ?
અંબિકા : એ ક્યાં કોઈને વશ કરે છે, ક્યાં કોઈને વશ થાય છે.
અંબાલિકા : હું પરવશ છું ભીષ્મને પામવા.
અંબિકા : પણ ભીષ્મ ? તેઓ સ્વીકારશે નિયોગ ?
અંબાલિકા : એમણે તો બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરી છે.
અંબિકા : તો શું એ માતા સત્યવતીની આજ્ઞાનું પાલન નહીં કરે ?
અંબાલિકા : કરશે જ ! માતા સત્યવતી રાજકુળનો ક્ષય અટકાવવા કંઈ પણ કરશે.
અંબિકા : અને ભીષ્મ પણ ! તેઓ જીવે છે કેવળ આ રાજકુળ માટે. રાજકુળનો ક્ષય ન થાય એ માટે પણ એમણે આ નિયોગનો સ્વીકાર કરવો જ પડશે.
અંબાલિકા : ભીષ્મ ક્યારે આવો છો ? પ્રત્યેક ક્ષણ યુગની જેમ વીતી રહી છે.
અંબિકા : દીર્ઘકાળ વીતી ગયો. આ શણગાર કરવાને. પ્રત્યેક અલંકાર આજે નવું જીવન પામ્યાં હોય એવું લાગે છે.
અંબાલિકા : ભીષ્મ,તમે આવશો ને જોઈ શકશો આ અલંકારોનો ઝગમગાટ.

(અંબિકા અને અંબાલિકા પોતાનાં શણગાર અલંકાર વ્યવસ્થિત કરે. અંબિકા જ્યાં હોય, એ બાજુનાં મંચના નેપથ્થમાંથી ધ્વનિ - દેવી અંબિકા, તમે મારી જ પ્રતીક્ષા કરી રહ્યા છો ને ? હું અંદર આવી શકું ? અંબિકા દ્વાર ખોલવાનો અભિનય કરે. દ્વાર ખૂલે કે તરત જ એ ચીસ પાડે.)
અંબિકા : માતા સત્યવતીએ તો કહ્યું હતું કે જેઠજી આવશે.... અને આ તો મહર્ષિ વેદવ્યાસ છે. એમની સાથેનો નિયોગ મને સ્વીકાર્ય નથી. છળ કર્યું છે, માતા સત્યવતીએ. પણ હવે, મહર્ષિ દ્વાર પર ઊભા છે અને...
(દેવી અંબિકા, હું આપની પ્રતીક્ષા કરી રહ્યો છું.)
અંબિકા : આવો. મહર્ષિ, આપનું સ્વાગત છે.

(અંબિકા આંખો બંધ કરી લે. મંચના અંબિકા બાજુના ભાગ પર અંધકાર થતો જાય અને અંબાલિકા બાજુના ભાગ ઉપર પ્રકાશ. મહર્ષિ વેદવ્યાસનો ધ્વનિ-દેવી અંબાલિકા, તમે મારી જ પ્રતીક્ષા કરી રહ્યા છો ને ? હું અંદર આવી શકું ?)
(અંબાલિકા દ્વાર ખોલવાનો અભિનય કરે. દ્વાર ખૂલે કે એકદમ એ ભયભીત થઈ જાય.)
અંબાલિક : માતા સત્યવતીએ તો કહ્યું હતું કે જેઠજી આવશે.... અને આ તો મહર્ષિ વેદવ્યાસ છે. એમની સાથેનો નિયોગ મને સ્વીકાર્ય નથી. છળ કર્યું છે, માતા સત્યવતીએ. પણ હવે, મહર્ષિ દ્વાર પર ઊભા છે અને...
(દેવી અંબાલિકા, હું આપની પ્રતીક્ષા કરી રહ્યો છું.)
અંબાલિકા : આવો મહર્ષિ, આપનું સ્વાગત છે.
(અંબાલિકા ભયભીત બેસી પડે. મંચના અંબાલિકાવાળા ભાગ ઉપર અંધકાર થતો જાય ને અંબિકા, બાજુના ભાગ ઉપર પ્રકાશ. અંબિકાનો શણગાર વેરવિખેર છે.)

અંબિકા : જે રાતની પ્રતીક્ષા હતી. એ રાત આટલી ભયાનક જશે ? માતા સત્યવતી આવું છળ શા માટે ?. જેના પૌરુષને પામવા કોઈ પણ સ્ત્રી આતુર હોય એવા ભીષ્મને બદલે જેમને જોવા માત્રથી આંખો બંધ થઈ જાય એ મહર્ષિ વેદવ્યાસ ? અસહ્ય દુર્ગંધ અને મલિન કેશરાશિવાળા એમને જોઈને કોઈને પણ જુગુપ્સા ઊપજે ત્યાં......
અંબાલિકા : ...ત્યાં એમની સાથે મેં શયન કર્યું છે. દેહ સમર્પિત કર્યો છે, ભલે અનિચ્છાએ. હવે મહર્ષિનું બીજ મારામાં છે. મારું સંતાન હવે મહર્ષિનું સંતાન ગણાશે. માતા સત્યવતીએ ઉત્તરાધિકારીની પ્રાપ્તિ માટે મારી સાથે છળ કર્યું છે.
અંબિકા : હા, અંબાલિકા આપણી સાથે છળ થયું છે.
અંબાલિકા : કુરુકુળને કેવળ છળકપટની ભાષા જ આવડે છે. પણ મને એ નથી સમજાતું કે માતા સત્યવતીએ જેઠજી આવશે, એવું કહ્યું હતું તો મહર્ષિ વેદવ્યાસ ક્યાંથી ઉપસ્થિત થયા ?
અંબિકા : કેમ, મહર્ષિ મહારાજ વિચિત્રવીર્યના અગ્રજ ન હોઈ શકે ?
અંબાલિકા : પણ મહારાજ શંતનુને તો બે જ સંતાન – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય...

અંબિકા : મહર્ષિ, માતા સત્યવતીનું લગ્ન પૂર્વેનું સંતાન છે.
અંબાલિકા : એટલે, તમને જ્ઞાત હતું, કે નિયોગ માટે મહર્ષિ ઉપસ્થિત થશે ?
અંબિકા : કોઈ મહર્ષિ નિયોગ માટે ઉપસ્થિત થાય એવી તો કલ્પના પણ કોણ કરી શકે ? અને મહર્ષિ વેદવ્યાસના વર્ષોથી કોઈએ દર્શન પણ કર્યા નથી. વળી, સાંભળ્યું હતું કે કોઈ મહાકાવ્યની રચનામાં વ્યસ્ત છે.
અંબાલિકા : મહારાજ શંતનુ આ વાત જાણતા હતા ?
અંબિકા : એ તો હું નથી જાણતી પણ માતા સત્યવતી લગ્નપૂર્વે મત્સ્યગંધા તરીકે ઓળખાતાં હતાં. એક દિવસ, મહર્ષિ કશ્યપ એમના ઉપર મોહિત થયા અને એમની અનિચ્છાએ સમાગમ કર્યો. મહર્ષિ શાપ ન આપે એ ભયે માતા સત્યવતી સમાગમની પીડા સહન કરતા રહ્યાં.
અંબાલિકા : જેમ, આપણે કરતાં રહ્યાં.
અંબિકા : એ સમાગમનું ફળ મહર્ષિ વેદવ્યાસ.
અંબાલિકા : માતા સત્યવતીએ અનિચ્છાએ દેહ સમર્પિત કર્યો હતો, છતાં મહર્ષિ જેવું સંતાન ?

અંબિકા :
મહર્ષિ કશ્યપે આપેલું વરદાન. મહર્ષિ કશ્યપે બીજું પણ એક વરદાન માતા સત્યવતીને આપ્યું હતું.
અંબાલિકા : શું ?
અંબિકા : માતા સત્યવતીનાં શરીરમાંથી મત્સ્યની દુર્ગધ સતત પ્રસરતી હતી. મહર્ષિએ એ દુર્ગધને સુગંધમાં ફેરવી નાખી. હવે, મત્સ્યગંધા નહીં પણ યોજનો સુધી જેની સુગંધ પ્રસરતી રહે એ યોજનગંધા.
અંબાલિકા : એ યોજનગંધાની સુગંધથી મોહિત થયા મહારાજ શંતનુ અને...
અંબિકા : કુરુકુળના ઇતિહાસે પડખું ફેરવ્યું.
અંબાલિકા : પડખું તો આપણા જીવને પણ ફેરવ્યું ને ?
અંબિકા : તું એ કેમ ભૂલી જાય છે. અંબાલિકા, કે તું હસ્તિનાપુરની મહારાણી છે ?

અંબાલિકા :
મહારાણી ? હં... અં.... જેની ઇચ્છાનું કોઈ મૂલ્ય નથી એવી મહારાણી ? કે પછી જેને ગમે ત્યારે કોઈ પણ પુરુષ સાથે શયન કરવાની આજ્ઞા કરવામાં આવે એવી મહારાણી ? આપણા કરતાં તો ગણિકાઓની સ્થિતિ સારી છે, કે પોતાની ઇચ્છા પ્રમાણે પુરુષ પસંદ તો કરી શકે છે.
અંબિકા : તું સત્ય કહી રહી છે પણ હવે તો આ પીડા જ આપણી પ્રકૃતિ છે.
અંબાલિકા : આ પીડા આપણી પ્રકૃતિ તો નહોતી ? આ બધું કોને લીધે બન્યું ?
અંબિકા : ભીષ્મ વિના આ કુરુકુળમાં ક્યાં કશુંએ થાય છે ?
અંબાલિકા : ભીષ્મે જો નિયોગ માટે હા પાડી હોત તો...
અંબિકા : તો પ્રણય આપણી પ્રકૃતિ હોત.....

અંબાલિકા :
એમના દર્શનની અભિલાષી હું નવવધૂનો શણગાર સજીને બેઠી હતી.
અંબિકા : દ્વાર પર જેવો પગરવ થયો કે મન રણઝણી ઊઠયું હતું.
અંબાલિકા : એમના સ્પર્શની કલ્પનાનાં કેટલાયે તરંગો ભીતર ઉદભવ્યાં હતાં.
અંબિકા : જેમને કારણે તરંગો ઉદ્દભવ્યાં એમને કારણે વલયો સર્જાયાં.
અંબાલિકા : હા, એમને કારણે જ વલયો સર્જાયાં. ભીષ્મને કદાપિ માફ કરી શકાય એમ નથી.
અંબિકા : કદાપિ નહીં.

(ભીષ્મનો પ્રવેશ.)
અંબિકા : પ્રણામ.
અંબાલિકા : પ્રણામ.
ભીષ્મ : આ હું શું સાંભળી રહ્યો છું.
અંબિકા અને અંબાલિકા : શું ?
ભીષ્મ : માતા સત્યવતી જે કહી રહ્યાં છે એ સત્ય છે ?
અંબિકા : માતા સત્યવતી શું કહી રહ્યાં છે ?
ભીષ્મ : એ જ કે તમે પરમ તપસ્વી મહર્ષિ વેદવ્યાસનું અપમાન કર્યું હતું ?
અંબાલિકા : જેનું પોતાનું અપમાન થઈ રહ્યું હોય એ અન્યનું અપમાન કઈ રીતે કરી શકે ?
ભીષ્મ : અંબિકા, મહર્ષિ જ્યારે તમારા કક્ષમાં આવ્યા હતા. ત્યારે તમે આંખો બંધ કરી લીધી હતી ?

અંબિકા :
મહર્ષિના કુરૂપ દેહને જોવાની શક્તિ મારાં નેત્રોમાં નહોતી. આમ પણ જે નેત્રોમાં પહેલેથી કોઈ બીજાની છબિ અંકિત થઈ હોય ત્યાં અન્ય કોઈનો પડછાયો પડવા માત્રથી પણ નેત્રો બંધ થઈ જાય.
ભીષ્મ : તમારાં ભયભીત થવાનું શું કારણ હતું, અંબાલિકા ?
અંબાલિકા : આ દેહને ધગધગતા અંગારા જેવા પૌરુષની અભિલાષા હતી. પણ એને બદલે લાંબી દાઢી અને જટાવાળા તપસ્વીના દર્શન થાય તો ભય તો લાગવાનો જ હતો, ભીષ્મ ?
ભીષ્મ : તમે જાણો છો તમારો આ વ્યવહાર હસ્તિનાપુરને ક્યાં લઈ જશે ?
અંબિકા : ક્યારેક રાજસિંહાસન છોડીને અન્યની ચિંતા પણ કરો, ભીષ્મ !

(ભીષ્મ સમસમી ઊઠે.)
અંબાલિકા : વ્યક્તિ છે તો રાજસિંહાસનનું મહત્વ છે, અન્યથા તો એ કેવળ સિંહાસન જ છે.
ભીષ્મ : મહર્ષિ વેદવ્યાસે ભવિષ્યવાણી ભાખી છે, કે અંબિકાનો પુત્ર જન્માંધ હશે અને અંબાલિકાનો પુત્ર પાંડુ રોગથી પીડાતો હશે.
ભીષ્મ : જાણતો નથી, કે કુરુકુળને સ્વસ્થ ઉત્તરાધિકારી ક્યારે પ્રાપ્ત થશે ?
અંબિકા : જ્યાં સુધી ઉત્તરાધિકારીની પ્રાપ્તિ માટે છળનો સહારો લેવામાં આવશે ત્યાં સુધી તો નહીં થાય.
અંબાલિકા : એ છળ કેવળ તમારા દ્વારા થતું આવ્યું છે, ભીષ્મ.
અંબિકા : અભિલાષા તમારી હતી અને આવ્યા મહર્ષિ.
અંબાલિકા : અભિલાષા પૌરુષની હતી અને પામ્યા તપસ્વી.

ભીષ્મ : હું પ્રતિજ્ઞાબદ્ધ છું એ તમે કેમ વિસરી જાઓ છો ?
અંબાલિકા : તમારી પ્રતિજ્ઞાએ કંઈ કેટલાંયે છળને જન્મ આપ્યો છે અને આપતાં રહેશે !
અંબિકા : જે કુરુકુળ માટે તમે પ્રતિજ્ઞા લીધી હતી. એ જ તમને તોડવા પણ કહે છે.
અંબાલિકા : પ્રતિજ્ઞાના બંધનમાંથી મુક્ત થાઓ અને અમારો સ્વીકાર કરો.
ભીષ્મ : એ અસંભવ છે. સ્વીકાર જ કરવો હોત તો...
અંબિકા : અંબાનો કર્યો જ હોત ને, નહીં ?
ભીષ્મ : તમે ભીષ્મને વિચલિત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યાં છો.
અંબિકા અને અંબાલિકા : નહીં.....
અંબિકા : વિચલિત તો અમે થયાં છીએ.
અંબાલિકા : ફરી સ્વસ્થ થઈશું કે કેમ ?

(થોડી ક્ષણો મૌન.)
અંબિકા : ભીષ્મ, જે પીડા અમે અમારા કોઈ પણ પ્રકારના દોષ વિના સહન કરી છે એ તો અમે જ જાણીએ છીએ. કાશી નગરીથી હસ્તિનાપુર સુધીનો આ પ્રવાસ કેવળ વેદનાભર્યો રહ્યો અમારાં માટે.
અંબાલિકા : સ્વયંવર સભામાંથી તમે જ્યારે અપહરણ કર્યું હતું ત્યારથી તમારું ચિત્ર અનેક રંગોથી મનમાં સજાવ્યું હતું. પ્રતિદિન એ ચિત્રોમાં રંગો બદલાતા હતા.... પણ , ન બદલાઈ એક તમારી પ્રતિજ્ઞા.
અંબિકા : મનમાં રહેલું પેલું ચિત્ર સાવ જર્જરિત થઈ ગયું પણ આજેય તમારી પ્રતિજ્ઞા અડીખમ ઊભી છે.
અંબિકા અને અંબાલિકા : ભીષ્મ, એટલું જાણી લો, કે જે હસ્તિનાપુર માટે તમે એક પછી એક છળ કરી રહ્યા છો કે કુરુકુળને ઉત્તરાધિકારી પ્રાપ્ત થાય એ માટે સ્ત્રીને સોગઠી ગણી રહ્યા છો એ જ કુરુકુળનો સર્વનાશ જોવાનું પણ તમારે આવશે અને ત્યારે તમારી અડીખમ પ્રતિજ્ઞાનો પ્રાસાદ કડડભૂસ થતા વાર નહીં લાગે. તમે જોશો, ભીષ્મ કુરુકુળનો સર્વનાશ... હા ભીષ્મ, તમે જોશો કેવળ સર્વનાશ... કેવળ સર્વનાશ... કેવળ, સર્વનાશ...

(બંને જાય છે. ભીષ્મ વેદનાયુક્ત સ્વરે.)
ભીષ્મ : આમ, શાપ ન આપો, અંબિકા, અંબાલિકા... તમારાં સંતાનો થકી તો ભારતવર્ષ હવે કુરુકુળને ઓળખશે. તમે તમારાં સંતાનોનાં સર્વનાશનો જ શાપ આપી રહ્યાં છો. અટકો. તમારો શાપ પાછો વાળો, હું કુરુકુળનો સર્વનાશ નહીં જોઈ શકું, નહીં જોઈ શકું. પિતાશ્રી, તમે આ ઈચ્છામૃત્યુનું કેવું વરદાન આપ્યું છે મને ? હવે, તો એ વરદાન પણ મારે માટે શાપ બની ગયું છે. અંબિકા અને અંબાલિકાનાં સંતાનો ઉપર હવે તો કુરુકુળના ભાવિનો આધાર છે. હું તો કેવળ એનો રક્ષક છું કેવળ રક્ષક.
(અંધકાર, પડદો.)


0 comments


Leave comment