80 - હવે મારી આંગળીમાં નથી રહ્યા રામ… / રમેશ પારેખ


હું તો ઘોર વિસ્મૃતિના તળિયાનો અંધકાર
ખોવાય ગયો છું કશા સ્મરણની જેમ
વેદનાનો સૂસવાટ સદીઓમાં પથરાય .
ડમરીની વૈશાખી કાયામાં ચકરાય
મારાં પીળચટ્ટાં પીળચટ્ટાં પગલાંનો ભાર
પથ્થરમાં કોરાયેલી કેદીઓનો ગંજ
મારી વિફળ સફળતાએ આળખેલા શિલાલેખ

રમેશ પારેખનાં અમાનુષી પાતાળોમાં
કોઈ એક પ્રેત જેવું હાસ્ય કરે / રડ્યા કરે

વિગતનું કાલું ફોડી
ઝૂકી આવે કદી કદી
ચાંદનીઓ બ્હાર
ચાંદનીમાં ભીંજવાતો અવકાશી વ્યાપ
અણિયાળ ભંગુરતા પોલ પોલ પીંખી નાખે
પોલ પોલ
આંખની પછીતે ક્યાંક અંધકારે ડૂબી જાય
રહ્યાસહ્યા પૂમડાને સ્વપનમાં ઝબકોળું
રહ્યાસહ્યા પૂમડાને સ્વપનમાં ઝબકોળું

હથેળીના આકાશમાં ગીધ જેમ મંડરાતી
શક્યતાઓ ચિચિયારી ચિચિયારી તૂટી પડે
મને કોઈ લાશ માની તાર તાર ચૂંથ્યા કરે

આ તો મારી આંગળીનાં પોલાણો હું જરી તરી
અહીં તહીં, અહીં તહીં નિતારું છું એટલું જ
અને મારી ભીનાશોમાં
અળસિયાં જરી વાર લસરકે એટલું જ
સપાટીઓ પરપોટે તડતડે એટલું જ


મુઠ્ઠીભર ખાલીપાના ખેતરમાં
કેટલીય દરિયાઈ ભૂરાશોને ચાસે ચાસે વાવી જોઈ
મીઠ્ઠીભર ખાલીપાને ખેતરમાં
કેટલાંય ઘનઘોર આકાશોને ઓળઘોળ ઢોળી જોયાં

તો ય હજુ
દિશાઓને સૂંઘ્યા કરે, સૂંઘ્યા કરે
આમતેમ આથડતા વગડાઉ શેઢા
જાણે અનાગત મોસમની મબલખ ગંધ ક્યાંક ઊગી પડી હોય....

દાતરડું શૂનમૂન ખડખડ હસ્યા કરે

લણણીનાં ગીતે મારો ધૂંધવાય કંઠ
અને કંઠે મારાં નેજવાંઓ ધૂંધવાય એટલું જ

ખેતરની વ્યંધ્યતાના પ્હાડને ઉલેચવા
આ આંગળીનાં ટેરવાંઓ
એક એક કાંકરીને ખેરવતાં ખેરવતાં તળવાય એટલું જ

કાળું કાળું ચાલ્યા આવે કાફલાઓ હારબંધ
ઘસાયેલી આંગળીએ ગણ્યા કરું / ભૂસ્યા કરું
ભૂલવાનું ફરી ફરી ગણ્યા કરું એટલું જ

વેઢે વેઢે ઊગે મારે અમરેલી ગામ
હવે મારી આંગળીમાં નથી રામ.


0 comments


Leave comment