39 - તમે આવો તો વાત કહું, શ્યામ… / રમેશ પારેખ


તમે આવો તો વાત કહું, શ્યામ...
તમે આવો તો વાત કહું, શ્યામ...

નીત રે ઊઠીને મને ઉંબરમાં તગતગતા
સૂરજની શૂળ એમ વાગે
મારી હથેળી તારા કેશમાં ગૂંથેલ
મોર પીંછાનો પડછાયો વાગે

દર્પણની દ્વારિકામાં દર્પણને તીર
હું તો પાણીને મૂલ વહું, શ્યામ....
તમે આવો તો વાત કહું, શ્યામ...

ચંદનની સૂનમૂન સૂતી હું ડાળ
મને લૂંબઝૂંબ વાયરે ઝુલાવો
શેરી તો સાવ ફૂંક વિનાનો વાંસ :
તમે પંચમની ફૂંક સમું આવો

ઘરનાં પોલાણમાંથી વાંસળીના સૂર જેમ
વગડે વેરાઈ જઉં, શ્યામ....
તમે આવો તો વાત કહું, શ્યામ....


0 comments


Leave comment