22 - ભજન…. / રમેશ પારેખ


સંતો, પંખીની બોલીએ ના વાણી
સંતો રે સંતો, પંખીની પાળીએ ના વાણી

પંખી તો હરતું ફરતું પરદેશી પાન
આજે આવ્યું ને કાલે ઊડી જાશે
એના પડછાયા સંતો, લોહીનું પોત ફોડી
આખું ભીતર કોરી ખાશે
એના પડછાયા સંતો, લોહીનું પોત ફોડી
આખું ભીતર કોરી ખાશે

કાળા જીવતરની લાંબી ડમ્મર બખોલમાં રે અફળાતાં ઝાંઝવાંનાં પાણી
સંતો રે સંતો, પંખીની પાળીએ ના વાણી


કાંઠે કાંઠે રે તાકે છૂટું છવાયું થાક્યું
ભૂલું પડેલ ગામ કોઈ
ચીંધેલી આંગળી-શું વહેવાનું આપણે ને
એણે રહેવાનું સાવ જોઈ
ચીંધેલી આંગળી-શું વહેવાનું આપણે ને
એણે રહેવાનું સાવ જોઈ

ભૂલા પડ્યાની વાતો પોતીકી લાગતી ને લીલેરી ડાળખી અજાણી
સંતો રે સંતો, પંખીની પાળીએ ના વાણી.
સંતો રે સંતો, પંખીની બોલીએ ના વાણી.


0 comments


Leave comment