26 - તારું પહેલાં વરસાદ સમું આવવું… / રમેશ પારેખ


ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલાં વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોરે ભીનો પગરણ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યાં
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યા – નું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાં ય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?


ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલાં વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.


0 comments


Leave comment