3.1 - દૃશ્ય – ૧ / અંક ૨ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(પડદો ખૂલે ત્યારે ગંગાનો પટ દશ્યમાન, ભીષ્મ વિચારમગ્ન બેઠા છે.)
ભીષ્મ : (સ્વગત) હસ્તિનાપુરના ઉત્તરાધિકારીનો પ્રશ્ન તો હજી યથાવત્ જ રહ્યો છે. જયેષ્ઠ પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ છે અને પાંડુ નિર્બળ છે. બે ઉત્તરાધિકારી હોવા છતાં હસ્તિનાપુરનું રાજસિંહાસન ખાલી છે. દીર્ઘકાળ પર્યંત રાજસિંહાસન ખાલી રહે એ રાજ્ય માટે લાભદાયક નથી.
(ગંગા પ્રગટ થાય છે.)
ગંગા : શું વિચારી રહ્યો છે, વત્સ ?
ભીષ્મ : પ્રણામ માતા, તમારાથી ક્યાં કશું અકળ છે ?
ગંગા : તારી ચિંતાનો વિષય સદા એક જ રહ્યો છે - હસ્તિનાપુર.
ભીષ્મ : હા, માતા.
ગંગા : બે ઉત્તરાધિકારી હોવા છતાં હસ્તિનાપુરના સંદર્ભમાં તારી ચિંતાનો અંત નથી આવ્યો ?

ભીષ્મ : ઉત્તરાધિકારી જ મારી ચિંતા છે, માતા.
ગંગા : ઉત્તરાધિકારી ? એ નહોતા તો પણ તને ચિંતા હતી અને છે તો પણ ?
ભીષ્મ : હસ્તિનાપુરનું શાસન કોના હાથમાં સોંપવું, એની ચિંતા છે.
ગંગા : એની ચિંતા તને શા માટે ? એ તો સત્યવતીની ચિંતા હોવી જોઈએ. ક્યા પૌત્રને રાજસિંહાસને બેસાડવો એટલો નિર્ણય પણ સત્યવતી કરી શકતી નથી ?
ભીષ્મ : માતા સત્યવતીએ રાજ-કારભારની જવાબદારી સ્વીકારી જ ક્યારે હતી ? એમના નિર્ણયો સદા મારા ઉપર અવલંબિત હતા.

ગંગા :
કાશીનગરી જવાનો નિર્ણય પણ તારો હતો, દેવવ્રત l
(ભીષમ મૌન.)
જો સત્યવતી તેને કાશીનગરી જઈને કન્યાઓનાં અપહરણની આજ્ઞા આપી શકતી હોય તો સિંહાસને કોને બેસાડવો, એ નિર્ણય પણ કરી શકે ને ?
ભીષ્મ : માતા, તમે મારી ચિંતા વધારી રહ્યાં છો.
ગંગા : તો શાસ્ત્ર પ્રમાણે જે જ્યેષ્ઠ પુત્ર હોય એને ઉત્તરાધિકારી બનાવવો જોઈએ.
ભીષ્મ : શાસ્ત્રમાં તો એમ પણ જણાવ્યું છે, કે જ્યેષ્ઠ પુત્ર અપંગ હોય તો રાજસિંહાસન માટે એ ઉચિત નથી.
ગંગા : તું પાંડુને રાજસિંહાસન સોંપવા માગે છે ?
ભીષ્મ : શાસ્ત્ર તો એમ જ કહે છે..... અને મારું મન પણ.

ગંગા :
તું તારા મનનું ક્યારથી સાંભળતો થયો ?
(ભીમ મૌન.)
હું જાણું છું વત્સ, તારો કોઈ પણ નિર્ણય તારે માટે નથી. તારા પ્રત્યેક નિર્ણયમાં હસ્તિનાપુરનું હિત સમાયેલું છે પણ હસ્તિનાપુરે તારી સાથે કેવળ અહિત કર્યું છે એટલે, કોઈ પણ નિર્ણય કરતા પહેલા ભાવિનો અંધકાર ધ્યાનમાં રાખજે.
(ગંગા જાય છે. ભીષ્મ મંચની બીજી બાજુ તરફ આવે છે. બેસે છે.)

ભીષ્મ : નથી સમજાતું, હસ્તિનાપુરના ભાવિનો નિર્ણય કઈ રીતે કરવો ? ધૃતરાષ્ટ્રના હાથમાં સત્તા નથી સોંપતો તો એના મનમાં ઈર્ષ્યાનું બીજ જરૂર ઊગાડી રહ્યો છું. પાંડુ રાજસિંહાસને બિરાજશે કે ધૃતરાષ્ટ્ર અસૂયાથી બળી મરશે. ધૃતરાષ્ટ્રના હાથમાં સત્તા સોંપવી એ શાસ્ત્રથી વિરુદ્ધ લેખાશે તો...
(પ્રતિહારીનો પ્રવેશ.)
પ્રતિહારી : ગંગાપુત્ર ભીષ્મનો જય હો ! દાસી શાંતા આપને મળવા માગે છે.
ભીષ્મ : (આશ્ચર્યથી) શાંતા...! એને અંદર આવવા દો.
(પ્રતિહારી જાય છે.)

ભીષ્મ : શાંતા મને શું કામ મળવા માગે છે ? મહર્ષિ વેદવ્યાસે કહ્યું હતું એમ આ રાજપ્રાસાદમાં એને બધી સગવડો આપી જ છે.
(શાંતાનો પ્રવેશ.)
શાંતા : પ્રણામ ગંગાપુત્ર !
ભીષ્મ : તારું સદા કલ્યાણ થાવ ! મને મળવાનું શું પ્રયોજન ? રાજપ્રાસાદમાં કોઈ કષ્ટ તો નથી ને ?
શાંતા : હસ્તિનાપુરના રાજપ્રાસાદમાં એક દાસીને શેનું કષ્ટ હોય ?
ભીષ્મ : તું દાસી ન રહે એવાં માન-સન્માન હસ્તિનાપુરે તને આપ્યાં છે છતાં તું તારી જાતને દાસી કેમ ગણે છે ?
શાંતા : ભવ્ય પ્રાસાદમાં એક કક્ષ ફાળવી દેવા માત્રથી વાત પૂરી નથી થતી, ગંગાપુત્ર !

ભીષ્મ : મહર્ષિ વેદવ્યાસે કહ્યું તેમ જ અમે કર્યું છે. એથી અધિકની તું અપેક્ષા રાખે એ વ્યર્થ છે.
શાંતા : અધિકાર અને અપેક્ષામાં કોઈ અંતર ખરું કે નહીં ?
ભીષ્મ : અધિકાર ? ક્યો અધિકાર ?
શાંતા : ઉત્તરાધિકારીનો અધિકાર.
ભીષ્મ : એટલે ?
શાંતા : ધૃતરાષ્ટ્ર અને પાંડુ જો મહર્ષિનાં સંતાનો છે તો વિદુર પણ મહર્ષિનું સંતાન છે.
ભીષ્મ : સમગ્ર સંસાર એ વાતથી પરિચિત છે, કે વિદુર મહર્ષિ વેદવ્યાસનું સંતાન છે.

શાંતા :
જો ધૃતરાષ્ટ્ર અને પાંડુ હસ્તિનાપુરના ઉત્તરાધિકારી તરીકે સમર્થ ન હોય તો વિદુરને...
ભીષ્મ : શાંતા.... તારી મર્યાદામાં રહે એ ઇચ્છનીય છે.
શાંતા : કઈ મર્યાદા ? દાસીની ? જોયું, જ્યાં તમે જ મને દાસી તરીકે ભૂલી શકતા નથી ત્યાં હું મારી જાત કઈ રીતે ભૂલી શકું ?
ભીષ્મ : એ મર્યાદાને ધ્યાનમાં રાખીને તું અહીંથી વિદાય લે એ તારાં હિતમાં રહેશે.
શાંતા : પણ વિદુરને સત્તા સોંપવામાં તમને કઈ મર્યાદા નડે છે ?
ભીષ્મ : એ જ કે એ તારો પુત્ર છે.

શાંતા :
એ મહર્ષિ વેદવ્યાસનો પુત્ર પણ છે અને ધૃતરાષ્ટ્ર તથા પાંડુ કરતા વિચક્ષણ અને વિલક્ષણ પણ છે.
ભીષ્મ : વિદુરના ગુણો મારાથી અજાણ્યા નથી, શાંતા. એના એ ગુણોને કારણે જ હું એને મહામંત્રી બનાવા જઈ રહ્યો છું.
શાંતા : પણ મહારાજ નહીં ?
ભીષ્મ : કદાપિ નહીં !
શાંતા : શા માટે ?
ભીષ્મ : એણે એક શૂદ્ર કન્યાને પેટે અવતાર લીધો છે.
શાંતા : મહર્ષિ વેદવ્યાસે પણ એક મત્સ્યકન્યાનાં પેટે અવતાર લીધો હતો, ગંગાપુત્ર !
ભીષ્મ : મહર્ષિએ ક્યારેય રાજસિંહાસનની અપેક્ષા નથી રાખી.
શાંતા : પણ નિયોગ માટે તત્પરતા જરૂર દર્શાવી અને તમે સ્વીકારી પણ લીધી. જ્યાં તમારું હિત હતું ત્યાં મહર્ષિના શૂદ્રપુત્ર હોવામાં તમને જરા પણ આપત્તિ નહોતી. પણ જોયું કે વિદુરને સત્તા સોંપવાથી તો પોતાના હાથ જ ખાલી થઈ જાય એમ છે ત્યારે એ શૂદ્રપુત્ર હોવાનું કારણ આગળ કરો છો ?

ભીષ્મ : શાંતા, તું તારી મયાદા ઓળખી લે. વિદુર મહારાજ નહીં થઈ શકે.
શાંતા : એ તો હું જાણતી જ હતી. પણ મારે જોવું હતું, કે ભીષ્મની મતિ હજી ન્યાય કરી શકે છે કે કેમ ? પણ દુ:ખ એ વાતનું છે, કે ભીષ્મ તમે કેવળ અન્યાય જ કર્યો છે, કેવળ અન્યાય.
ભીષ્મ : જે અન્યાયમાં હસ્તિનાપુરનો ન્યાય સમાવિષ્ટ હશે એ કરવા ભીષ્મ સદા તત્પર રહેશે.
શાંતા : ભીષ્મ, આ તમારો દંભ છે, કેવળ દંભ ! હસ્તિનાપુરના નામે તમે તમારું જ ધાર્યું કર્યું છે ને મનસ્વી થઈને હસ્તિનાપુરનું શાસન ચલાવ્યું છે અને હજી ચલાવશો. તમારા મનસ્વીપણાના વર્તુળમાં કંઈ કેટલીય ઇચ્છા, અપેક્ષા, સ્વપ્નો લાગણી બંધ થયાં છે, એનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? કાલાંતરે એ બધું જ દર્પણ બનીને સામે આવશે. ત્યારે આ શાંતા સાથે કરેલો અન્યાય પ્રતિબિંબિત થયા વિના નહીં રહે. પ્રણામ.
(શાંતા જાય છે.)

ભીષ્મ : શાંતાએ ફરી મને ચિંતાગ્રસ્ત કરી દીધો. એની વાતમાં તથ્ય છે. પણ વિદુરને સિંહાસને બેસાડું અને કાલે ઊઠીને પ્રજા એક શૂદ્રને રાજા તરીકે નહીં સ્વીકારે તો ? રાજ્યમાં વિદ્રોહ થાય અને હસ્તિનાપુરનું સુવ્યવસ્થિત રાજ્યતંત્ર ભાંગી પડે તો ? ના, વિદુરને રાજા બનાવવો એટલે ઘણી બધી આપત્તિઓને નિમંત્રણ આપવું. વિદુર બનશે મહામંત્રી. એની વિચક્ષણ મતિનો હસ્તિનાપુરને એ રીતે લાભ મળશે...
(એક પળ અટકે.)
અને રાજા થશે. પાંડુ. આવતીકાલના હસ્તિનાપુરનો મહારાજ બનશે, પાંડુ
(અંધકાર.)


0 comments


Leave comment