11 - હોય તોય શું ? / રમેશ પારેખ


ઇચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું ?
કાગળમાં ચીતરેલું કમળ હોય તોય શું ?

બારીની આ તરફનો હું એક હિસ્સો છું, રમશે
પેલી તરફ જવાની તલપ હોય તોય શું ?

જંગલની વચ્ચે રહેવા મળ્યું પાનખરરૂપે
ગુલમ્હોર શ્વાસ જેવો નિકટ હોય તોય શું ?

શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો –
તેઓ વસંત જેવા સભર હોય તોય શું ?

રંગો કદીય ભોળા નથી હોતા એટલે
લીલું ચટ્ટાક આખ્ખું હોય તોય શું ?

નખ જેવડું અતીતનું ખાબોચિયું, રમેશ
તરતાં ન આવડે તો સમજ હોય તોય શું ?

(૨૯-૦૫-૧૯૭૭ / રવિ)


0 comments


Leave comment