12 - દૂર / રમેશ પારેખ


ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,
લાગે છે આ જગા છે બધીયે જગાથી દૂર.

પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,
એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાંથી દૂર.

થીજી ગયાં છે માનસરોવર અવાજનાં,
ને પંખીઓ વસે છે હવે કલ્પનાથી દૂર.

આવે છે દ્રશ્ય આંખમાં ઝાંખું કે આંધળું,
દ્રશ્યોને શું થયું કે રહે સામનાથી દૂર.

વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,
ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર.

કોને ખબર, રમેશ...ક્યા માર્ગ પર થઈ,
આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર.

(૦૩-૦૬-૧૯૭૫ / મંગળ)


0 comments


Leave comment