88 - સોનલ, તમે ગયાં / રમેશ પારેખ


પારિજાતના થડની ઉપર નામ કોતરી મારું સોનલ.. તમે ગયાં
તે રોજ હવે હું જંગલના એકાન્ત વૃક્ષને સાંભરતો નહીં હોઉં ?

ડાળ પાનના ધોધમાર નીતરતા છાંયેતડકે મારું નામ ભીંજાતું હશે
અને હું બેસી રહું અહીં નામ વગરનો તરસ રિબાયા ચેહરે
સુક્કા પંપાસરની પાળે

નવું પાન ફૂટવાનાં દ્રશ્યો લચી આવતાં હશે નામની સાવ લગોલગ
અને અહીં હું ફળિયાના લીમડેથી પીળું ટપ્ દઈને તૂટી પડેલું
પાન ઊડતું ભાળું

પારિજાતના થડ ઉપર કોરેલું મારું નમ
કોઈ પંખીએ કંઠે ટૌકો થઈને તરાપ દેતું હશે આભમાં
અને અહીં હું પગથીનો કૈં લીસો પથ્થર / અવરજવરની ધૂળ
મને રગદોળે

મારા કર્ણ મૂળમાં પડી રહેલા જંગલના પડછાયા કણસે
અને આંગળી ડાળ પાન કૈં ફૂટ્યા વગરની વંધ્ય
બંધ મુઠ્ઠીમાં હું તો શુષ્ક ડાળખી કરી એકઠી
નાનું સરખું ઝાડ બનાવું

ઝાડ બનાવું તો ય હવે શું
ઝાડ બનાવું એના થડ પર હવે ફરીથી કોણ કોતરે નામ...

પારિજાતનાં થડની ઉપર નામ કોતરી મારું સોનલ.. તમે ગયાં.....


0 comments


Leave comment