19 - અરીસામાં ઊગે છે / રમેશ પારેખ


છૂરીમાંથી આવે શું લિસ્સાની બૂ ?
શું એના નખો ને અહિંસાની બૂ ?

અરીસામાં ઊગે છે એવાં ફૂલો
છે જેમાં હવડ કોઈ ઇસાની બૂ ?

શું એવું છે મુફલિસના પહેરણ તળે
કે સર્વત્ર છે જેના ખિસ્સાની બૂ

તું જેને રહસ્યો ગણે વિશ્વનાં,
શરાબી કહે – ખાલી શીશાની બૂ

મેં માબાપને જન્મ આપ્યો નથી
છતાં આવતી મારા હિસ્સાની બૂ

છબીને ફરી એક કૂંપળ ફૂટી :
વળી એક ખૂનખાર કિસ્સાની બૂ

(૩૧-૦૩-૧૯૭૨ / શુક્ર)


0 comments


Leave comment