20 - અહીં રઝળતા કાગળો / રમેશ પારેખ


અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ?

પહાડ પરથી દડદડીને ખીણમાં પડતી સવાર –
ઘાસની કેડીને જઈ પૂછે કે ઝાકળ ક્યાં ગયાં ?

આંખ અશ્રુપાતથી પાલવને કાળો ભીંજવે :
કેમ પૂછે છે સહુ : આંખોનાં કાજળ ક્યાં ગયાં ?

ગંધ તરસી તરફડી રહી છે ફૂલોનાં બારણે –
બાગને ભૂલી પવન સૌ કેમ અસ્તાચળ ગયાં ?

બારણું ખોલું તે પહેલાં તો તમે ચાલ્યાં ગયાં –
મેં તમારા સમ, કરી’તી બહુ ઉતાવળ, ક્યાં ગયાં ?

હું અને મારો વિરહ રણમાં રઝળતાં પૂછીએ –
આપણાં સાથી મૂકીને આમ પાછળ, ક્યાં ગયાં ?

(૧૯૬૮)


0 comments


Leave comment