21 - અસંખ્ય ઝાંઝવાં / રમેશ પારેખ


અસંખ્ય ઝાંઝવાં ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે.

ઉગાહ્ડી આંખમાં છટકે અસંખ્ય શમણાંઓ,
ભીડેલી પાંપણો વીંધી તમામ છટકે છે.

મરણગતિએ મળી લઈએ એકબીજાને –
એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે.

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છ.

(૦૮-૦૨-૧૯૭૨ / બુધ)


0 comments


Leave comment