22 - થયા કરે છે / રમેશ પારેખ


થયા કરે છે પ્રસંગોનાં નાગચિતરામણ
ચૂનો લગાવી સહુ જિંદગી સફેદ કરે.

રૂંવેરૂંવામાં ઊકળતું પ્રવાહી અંધારું
કોઈ ગમે તે જગાએ જરાક છેદ કરે

રમત રમતમાં ડૂબે છે સમુદ્ર નૌકામાં
કોઈ હસે, કોઈ ચિંતાપસંદ ખેદ કરે

હવાની જેટલી વ્યાપક બની ગઈ પીડા
કોઈ તો આપણો ને શ્વાસનો વિચ્છેદ કરે

હજુ ફરે છે છડેચોક જે નગર વચ્ચે
એ લાલજાંબલી હરણોને કોઈ કેદ કરે.

(૧૨-૧૧-૧૯૭૦ / ગુરુ)


0 comments


Leave comment