61 - ગઈ કાલના… / રમેશ પારેખ


રે લોલ સૂરજ આજ તો સંભળાય છે ગઈ કાલના
રે લોલ મારી આંખ વ્હાણાં વાય છે ગઈ કાલના

અળગાં ય એને કંચવા પેઠે કઈ રીતે કરું
શમણાં મૂવા જે પાંપણે અટવાય છે ગઈ કાલના

હા, શ્વાસ તારું નામ થઈ થઈને જતા ને આવતા
લે, તે ય અધવચ્ચે અટકતા જાય છે ગઈ કાલના

આખ્ખું ય વન લઈ ચાંચમાં કોઈ સૂડો ઊડી ગયો
સહુ ઝાડવાં લીલી ઉદાસી વાય છે ગઈ કાલના

હૈયાબળી હું નામ પણ મારું ભૂલી બેઠી છું, દે !
અહીં સાદ કોના નામના સંભળાય છે ગઈ કાલના

આવ્યા કરે છે સાંભરણની વેલ પણ ભીનાં ફૂલો
ને પાંદડા પીળાં પીળાં ખખડાય છે ગઈ કાલના.


0 comments


Leave comment