91.13 - અરજણદાસ / હરીશ મીનાશ્રુ


આડી નદિયાં નીર ભરી,
પણ પંખીને ક્યાં પડી?
એક પલકમાં પાર ઉતરે,
ના બેસે નાવડી,
શબદમાં જિનકું ખબરાં પડી
શબદમાં જિનકું ખબરાં પડી
(અરજણદાસ)
= = = = = = = = = =
ગરથ ગાંઠે નહીં કે ખભે ગાંસડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી
ધડ ઉપર શિર નહીં કે નહીં પાઘડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

હોય નૈં મયૂરના ચરણમાં મોજડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી
વટ વળી વાવટાની નથી કૈં પડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

એની બોલી ખડી હો તે સાધુક્કડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી
બોલ એના સ્વયંભૂ કવનની કડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

એની પોથી ખૂલી પદમની પાંખડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી
છૂટ ગઈ બારણા બ્હાર બારાખડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

એ ભલા ને ભલી એમની કોટડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી
જ્યાં નથી છત, નથી છો, નથી ભીંતડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

શીદ પહેરે પૂરાણી પવનપાવડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી
લેશ હાલ્યા વિના હુડુડુ કાઢે હડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

દોરી લોટો ગહી હાથમાં ખલકનો ને ખભે એક ખડિયો અલખનો લઈ
એ મલક ખૂંદતા ઊપડ્યા અબઘડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

કોણ ઝેલી શકે ઝટક : એ ફટક દૈ જીવને ઝાટકે, ફડફડે ફોતરાં
ધાન્ય માણેકનાં કનકની સૂપડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

થાય અધ્ધર ભવાં કે રૂંવાડા ખડાં : સ્હેજ તીરછી નજર ને અસર તોછડી
ઓસ થૈ સૂર્ય આખો ય લ્યે ધાબડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

તરસ ને ભૂખના ટેસડા જ્યાં પડે, દહીંથરાં હોય કે ઢેબરાં, શું ફરક ?
જીભથી જન્નતે જો ગઈ ઊખડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

સૌ મૂએલાં ભરે કબરમાં મરણને, સબરમાં સ્મરણ તે જીવતાંનો કસબ
જગતની જાત લાગે જનમજૂઠડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

નિજ છબિ ન્યાળવા નેણ ઊલટાં કરે, આમળે વેણને અવળવાણી વડે
કા કહું ? ઉનકી સાવ જ ઊંધી ખોપડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

એ અડે તો દિવાલો ય ઉલ્લાસથી દ્વાર, દર્પણ કે દિગંત થૈ ઝળહળે
ના ગમે ક્યાંય ક્યારે ય ઇષ્ટાપડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

તીરથથી છે સવાયાં ચરણચિહ્‌ન, કર્પૂર ભેગાં ચઢે નૂર નક્ષત્રનાં
એને જોઈ સ્વયં આરતી શગ ચડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી

પંખીના ન્હોરથી નભ ઉઝરડાય ના, ત્રબકતાં વીજળી મેઘ તરડાય ના
એ રીતે એની પરછાંઈ પળમાં પડી, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી


0 comments


Leave comment