91.15 - સુંદરમ્‌ / હરીશ મીનાશ્રુ


એક ઘૂંટડો આપો,
આખો ઘટ નહિ માંગું,
એક ઘૂંટડો આપો, મારા રાજ !
આખાં યે સરવર મારાં એ રહ્યાં.
( સુંદરમ્)
= = = = = = = = = =
એક ઘૂંટડો આપો, આખો ઘટ નહીં માગું
રજકણથી રાજી હું પ્હોળો પટ નહીં માગું

ચહું સોંસરું સરળ, કશું અટપટ નહીં માગું
જરા ઊણું હો પાત્ર, હું કટોકટ નહીં માગું

ઝંઝાથી તે શું ઝાઝું ?-ઝંઝટ નહીં માગું
માગીશ એક જ વાર લાગલગાટ નહીં માગું

ઘર એક જ એવું હો, જ્યાં ના હોય દીવાલો
છપ્પરમાં હો ગગન, ઘટા ઘુમ્મટ નહીં માગું

અલલપંખીને લોક અમારું થાનક થનગન
તસુ ભોંય હું આ પૃથ્વીને તટ નહીં માગું

શ્વાસોચ્છ્‌વાસે કરો સતત જો આવનજાવન
ધડકન પેઠે ધરું, વૃથા હું રટ નહીં માગું

રસિકજનોને ધન્ય, ધન્ય હો તરસ અમારી
શોષ સદા આકંઠ, કદી પનઘટ નહીં માગું

તમે વૃક્ષવત્‌ રૂક્ષ, વ્હાલ વેલીનું અમને
અમથું આછોતરું મળે, ઉત્કટ નહીં માગું

ઉજાસનું એક બુંદ તૃણપત્તી પર દાખો
તો દામોદર કુંડ ગોમતી તટ નહીં માગું

વસિયતનામું લખી કરો જળ પર સહીસિક્કા
શિલાલેખ કે કોઈ તામ્રનો પટ નહીં માગું

અરધો પરધો હરફ તમારો, ભયો ભયો છે
ખટશાસ્તરના ભણતરની ખટપટ નહીં માગું

અલપઝલપ અણસાર કળીશું અવગુંઠનમાં
એ અચરજ પૂરતું છે, હું પરગટ નહીં માગું

સવા વાલની વાળી મેં તો માગી કેવળ
મોંઘા મૂલના કંદોરા અણવટ નહીં માગું

બંધ બારણે તમે વિનયથી ઊભવા દેજો
ભર્યાભાદર્યા ઘર સમેત ઘરવટ નહીં માગું

વિવેકના માર્યા મેં અહીં લગ ઝીણું માગ્યું
માગું બારે મેહ, માત્ર વાછટ નહીં માગું


0 comments


Leave comment