91.16 - વેણીભાઈ પુરોહિત / હરીશ મીનાશ્રુ


ધી વાત કહેવી નથી આજ મારે,
પડ્યું છે ઝવેરાત, જોખમ પટારે.
(વેણીભાઈ પુરોહિત)
= = = = = = = = = =
અજાણ્યો મુલક છે, છીયેં એકલા રે, બધી વાત કહેવી નથી આજ મારે
પડ્યું છે ઝવેરાત જોખમ પટારે, બધી વાત કહેવી નથી આજ મારે

ચડીને વૃથા આ મસીદને મિનારે બધી વાત કહેવી નથી આજ મારે
ગરભ જેમ ગભરૂ બનીને ગભારે બધી વાત કહેવી નથી આજ મારે

ન હોવા ને હોવાની ક્ષણની કગારે બધી વાત કહેવી નથી આજ મારે
અરીસા ય જ્યાં આવશે નૈં વહારે, બધી વાત કહેવી નથી આજ મારે

હલાવી હકારે ધુણાવી નકારે બધી વાત કહેવી નથી આજ મારે
ભલે લોક બદબોઈ કરતું, ધરારે બધી વાત કહેવી નથી આજ મારે

અનુનય કરીને આ ઘીના દીવાએ તિમિરને કહ્યું’તું કશું તુલસીક્યારે
કરી હોઠ એંઠા હઠીલા હુંકારે બધી વાત કહેવી નથી આજ મારે

કશે છેક અંદર ગુપત ઓરડામાં કહેવા જતાં યે ન’તી જીભ ઊપડી
છડે ચોક આજે ઉઘાડાં દુવારે બધી વાત કહેવી નથી આજ મારે

નરી વ્યંજનાથી જરા હોઠ બીડું, કળીમાં અકળને બીડ્યું હોય જાણે
ઉકેલો હૃદયને અમસ્થા ઇશારે, બધી વાત કહેવી નથી આજ મારે

દબાતા સ્વરે જે કહેવી ઘટે, મઘમઘી સાવ મોઘમ, વહી જૈ ગઝલમાં
નગરની વચાળે પીટીને નગારે બધી વાત કહેવી નથી આજ મારે

તિમિર રાતભર જે ગૂઢારથ ઘૂંટે છે, કમળફૂલ પાસે બધી બાતમી છે
ભલે મુઠ્ઠી મબલખની ખૂલે સવારે, બધી વાત કહેવી નથી આજ મારે

સહજ એક અંગુષ્ઠ હું ચીતરી લઉં, દશાનન તમે ચીતરી દો કળાથી
કરું ગુહ્ય પરગટ ન આથી વધારે, બધી વાત કહેવી નથી આજ મારે

હજી વાતની જ્યાં શરૂઆત કીધી સકળ સૃષ્ટિ તન્મય પ્રલયની કથામાં
કહું કિસ તરહસે કિ ફિર કા હુવા રે બધી વાત કહેવી નથી આજ મારે

ફરી કો પ્રસંગે કહીશું કે કોણે વિના ઢાલ વેઠ્યા ગહન ઘાવ ભીતર
પડ્યું કોણ મુર્શિદના બારીક પ્રહારે, બધી વાત કહેવી નથી આજ મારે


0 comments


Leave comment