91.17 - કૃષ્ણરામ / હરીશ મીનાશ્રુ


ફારશિયોના હરફ વસ્યા વિપ્રની વાણે
ગઝલ રેખતા તરફ ગમતા દીઠા ગાણે
(કૃષ્ણરામ)
= = = = = = = = = =
નિત્ય ઉપવાસી રહીને એ ભર્યા ભાણે વસ્યા છે
જે તરસ ને તૃપ્તિની વચ્ચેના ઠેકાણે વસ્યા છે

અજનબી છે પણ અચાનક જાણપ્હેચાણે વસ્યા છે
ઠામઠેકાણુ નથી પણ ઠેકઠેકાણે વસ્યા છે

મનહૃદય અણિયાળ જેની પળના એંધાણે વસ્યાં છે
મર્મસ્થળ મધ્યે એ બારીકાઈથી બાણે વસ્યાં છે

હાથ હૈયું બેય બાળી આરતી ટાણે વસ્યા છે
રંગરસિયાજી નિરંતર રસનાં રમખાણે વસ્યા છે

ફારશીયોના હરફ તે વિપ્રની વાણે વસ્યા છે
ના, કલમકાગદ વિષે ના, એ સહજ પ્રાણે વસ્યા છે

જે ગઝલ ને રેખતામાં દેશ પરમાણે વસ્યા છે
કાફિયાનો વેશ પહેરીને ખરે ટાણે વસ્યા છે

હા, જુગલબંધી જલાલુદ્દીન રૂમી સાથે કરીને
જીભ પર સાક્ષાત્‌ માતા સરસતી જાણે વસ્યાં છે

ખોજમાં નીકળ્યા હતા જે કોઈ આદિ શબ્દની તે
ગૂજરાતીથી લઈને ઠેઠ ગિર્વાણે વસ્યા છે

લડખડે તો એનું મયખાનું જ મસ્જિદ થૈ જવાનું
જેના પેગંબર લીલીછમ દ્રાક્ષના દાણે વસ્યા છે

એક પણ સિક્કલ-સૂરત ના એમની પાસે બચી છે
જે સ્વયંનાં કૈં પ્રતિબિંબોનાં પોલાણે વસ્યા છે

ફાટશે ના ફીટશે રંગત જરીકે આ પટોળે
રંગના અંગત બની તાણે અને વાણે વસ્યા છે

આપણી સંકુલ કથાના એ જ છે નાયક મહોદય
તે છતાં યે હાંસિયામાં સાવ કોરાણે વસ્યા છે

આખરી ઈચ્છા આ બોધિવૃક્ષની નિષ્પર્ણતા છે
એ ખરેખર પાનખર-સોંસરવા નિર્વાણે વસ્યા છે

મુરશિદે એવો તો હાકોટો કર્યો કે ભડ બધા યે
પાળિયેથી ફટ્ટ બેઠા થૈને ધિંગાણે વસ્યા છે


0 comments


Leave comment