92.1 - જવાહર બક્ષી / હરીશ મીનાશ્રુ


ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે,
છે બસ એક એની મનાનો અનુભવ;
મળ્યાનો વળી બીજો આનંદ શું છે,
સિવાય એ કે એની રજાનો અનુભવ.
(જવાહર બક્ષી)
= = = = = = = = = =
ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ
અબોલા લઈ આમ અવળાં ફર્યાં ત્યાં અચાનક અધૂરી કથાનો અનુભવ

જુગલબંધી છોડીને ઝાકળનું ટીપું ઊડે પુષ્પ પરથી ઝીણી અચરજો થઈ
હવે હું પૂછું તો ય પૂછું શી રીતે, ઓ ફનકાર, નમણી ફનાનો અનુભવ

તરલ તારલી કે અગનઘેલી ઉલ્કા : નભેથી ખરે તે સકલ રૂપ ક્ષણનાં
નથી કાળ નવરો કે વેંઢારે તારા પૂરાતન ગમા અણગમાનો અનુભવ

સજળ નેત્રમાં નેત્ર પ્રોઈ નીરખતાં, નરી જીવસટોસટ પરખતાં આ પળને
અરીસો ઉલંઘીને આવી રહ્યાં એ લઈને વિકટ સામનાનો અનુભવ

ઢળી સાંજ સૂની આ સૂના નગર પર, વળી એ જ સૂની ગઝલ તારા હોઠે
ઝગે ઘરમાં દીવડીના આછા ઉજાસે એ શામે અવધ ને શમાનો અનુભવ

મદિરા નહીં, મિત્ર, મારે તો પીવો વસંતોથી ચકચૂર તારા બગીચે
મશહૂર એ દ્રાક્ષવલ્લીની ડાળે લચેલી લીલી ઝંખનાનો અનુભવ

હતી બંધ મુઠ્ઠીમાં મુરશિદની બક્ષિસ : પૂરણ ચંદ્રમા જેવડી રેવડી આ
ઉધારીના દિવસોમાં મુફલિસના ખાતે હતો એ જ રોકડ જમાનો અનુભવ

અમે તો હૃદય પરના રાતા નખક્ષત ચીતરતા રહ્યા બસ કવિતા કહીને
અને એ બહાને લિપિબદ્ધ કરતા રહ્યા વિશ્વભરની વ્યથાનો અનુભવ

દઝાડ્યો પ્રકાશે ને પવને ઉડાડ્યો, બૂડાડ્યો જળે ને નભે રૂપ છિનવ્યું
બધાંએ ઉથાપ્યો, પરંતુ કબરમાં ધર્યો પૃથ્વીએ સ્થાપનાનો અનુભવ


0 comments


Leave comment