92.2 - જયેન્દ્ર શેખડીવાળા / હરીશ મીનાશ્રુ


પર્વત ઉપર પરી ધિનક્‌તાન્‌ લાવ રી પાંખો ઊડું ધિનક્‌તાન્‌ ખબરાં
ફર ફર ફર ફર ફરક્‌ ધિનક્‌તાન્‌ પડી
પીંછે ઈચ્છા ખરી ધિનક્‌તાન્‌ (જળમાં ઝાંખો બૂડું) ધિનક્‌તાન્‌
સરવર સરવર હરફ્‌ ધિનક્‌તાન્‌
(જયેન્દ્ર શેખડીવાળા)
= = = = = = = = = =
પર્વત ઉપર પરી ધિનક્‌તાન્‌ ખરખર ખીણમાં ખરી ધિનક્‌તાન્‌
પંખીને સરિતાનું સગપણ કલકલ યાયાવરી ધિનક્‌તાન્‌

કર્પૂર કાયા વિવશ બનીને સુરભિ વેશે સરી ધિનક્‌તાન્‌
ઝંખા જાગી ઝાલર ટાણે : દીપકને જૈ વરી ધિનક્‌તાન્‌

ઇચ્છાના અચ્છોદે ક્ષણ આ તિલ્લી થૈને તરી ધિનક્‌તાન્‌
ઇચ્છાને આધાર હવે ક્યાં : ખરી પડી વૈખરી ધિનક્‌તાન્‌

પણે આળસુ આંબા ને અહીં અમે એટલા ઉતાવળા કે
સદ્ય પલાયન રસની લહરે મન મઘમઘ મંજરી ધિનક્‌તાન્‌

સૂત્ર કવણની આંગળીએ ને કવણ નચાવે નવરસમાંહી
કરી સજીવન કઠપૂતળીને કવણ રહ્યું ઉચ્ચરી ધિનક્‌તાન્‌

નયન શ્રવણ જિહ્વા ત્વગ્‌ નાસા : ઓળઘોળ ઓગળતું હોવું
ભરી બૂકડો ઈશ્વર કહેતો : ચાખ અસલ પંજરી ધિનક્‌તાન્‌

કીડી ઉપર કટક લાવતું ભૂવર્લોક લગ ભવાં ચઢાવી
કોક કીડીને વઢ્યા કરે છે : શીદ પ્હેરી ઝાંઝરી ધિનક્‌તાન્‌

નિત્ય નિરંતર વલખ્યા કરજે વાણીને તું, ભલે અહોનિશ
નરસૈં પૂંઠે પડે નગરમાં જણ નુગરો નાગરી ધિનક્‌તાન્‌

મત્લાથી મક્તા લગ પૂગતાં કાંધે જેનો બોજ વહ્યો તે
કયહાં મૂકિયે નામ અમારું ? મક્તા મધ્યે હરિ ધિનક્‌તાન્‌


0 comments


Leave comment