92.4 - રઘુવીર ચૌધરી / હરીશ મીનાશ્રુ


જાતને હારનાર
બીજાને હોડમાં મૂકે એ મને મંજૂર નથી.
સહદેવ, અગ્નિ લાવ,
હું આ આખી દ્યૂતસભાને સળગાવી દઉં
આ સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને
પ્રકાશમાં પલટાવી દઉં.
(રઘુવીર ચૌધરી)
= = = = = = = = = =
અંધાપાને પ્રકાશમાં પલટાવી દઉં
હું આ આખી દ્યુતસભા સળગાવી દઉં

કોઈ ન દીઠે ઓળખતું ખુદને અહીંયા
ક્ષણક્ષણમાં દર્પણના ટુકડા વાવી દઉં

જરાય ના જળતત્ત્વ જ જેનાં લોચનમાં
ઈશ્વરને હું મર્મ કેમ સમજાવી દઉં ?

મલકપારથી કોઈ ફરિશ્તો આવ્યો છે
ઝાકળટીપું દેખી ભવાં ચઢાવી દઉં

તમે અમસ્થો અર્થ તણખલાનો પૂછ્‌યો
એક નદીને ભીતરથી હું તાવી દઉં

કાગળ પર શાહીનું ઝીણું બુંદ ઝરી
કમળપાંદડીને અમથું બહેલાવી દઉં

કૈંક જુગોથી આમ કબરમાં સૂતો છું
ગઝલ કહીને હું નિજને ઝબકાવી દઉં


0 comments


Leave comment