92.5 - અનિલ જોશી / હરીશ મીનાશ્રુ


ક્રાઉં ક્રાઉં કાગડાથી ખિચોખિચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો
કે ભાઈ, તમને નથી ને કાંઈ વાંધો ?
(અનિલ જોશી)
= = = = = = = = = =
નયન ઝીણાં કરી, કાન પર હાથ રાખી ખુદા હેરતા
એક મુલ્લા મિનારો ચઢી કોઈના કાન ભંભેરતા

કોનો નિઃશબ્દ ચ્હેરો ગગન-ચીતર્યો ભૂંસતા-ચ્હેરતા
પ્રાર્થનારત ફરિશ્તા સમા શાંત બુલબુલને ઉશ્કેરતા

ઝરણ જેવું વહો, પવન પેઠે સરો લહરમાં લહેરતા
આમ ચાલો નહીં ઢીંચણે હાથ દૈ ઠહેરતાં ઠહેરતાં

એમણે હાથ ઊંચો કર્યો, પેટવ્યો ને સકળ ઝળહળ્યું
દેખીને દાઝતાં આપણે રહી ગયા હાથ ખંખેરતા

તમસથી ગાઢ ને ગરભથી ગૂઢ છે જીર્ણ ગઢની કથા
જ્યાં સહુ આપ ઘેરાયેલા પણ પરસ્પર રહે ઘેરતા

ખાસ અગવડ નથી, ને ખરું કહું તો કોઈ ઉપાયે નથી
એક બે બુદ્ધુઓ રાઈના કણ નગરમાં રહે વેરતા

દર અને દર્પણો સોંસરા બ્હાર નીસરી છડેચોક સૌ
જે મળી કાંચળી તેને જરિયાન જામો ગણી પ્હેરતા

કીડીને આમ ખોંખારતી જોઈ ભડકી ગયા તે હવે
ક્રાઉં ક્રાઉં કાગડાથી ખિચોખિચ્ચ લીમડા રહે વ્હેરતા


0 comments


Leave comment