92.6 - ભગવતીકુમાર શર્મા / હરીશ મીનાશ્રુ


અપરાધ હો તો એ જ કે ખુશ્બૂ મેં ઉછાળી;
ચોરે ને ચૌટે, ગલીઓમાં ચર્ચાઈ ગયો છું !
(ભગવતીકુમાર શર્મા)
= = = = = = = = = =
અપરાધ હો તો એ જ કે ખુશ્બૂ મેં ઉછાળી
મઘમઘતા એક શબ્દની મરજાદ ન પાળી

અપરાધ હો તો એ જ કે લોચન દઈ ઢાળી
ભરપૂર ભીતરે હું શું નું શું ગયો ભાળી

અપરાધ હો તો એ જ કે પંખીની સાથ સાથ
ઊડવા દીધી મેં વ્યોમમાં ફૂલો ભરી ડાળી

અપરાધ હો તો એ જ કે મેં ઘોષણા કરી
બીજમાં સમેટે વૃક્ષ, અસલ એ જ શ્રીમાળી

અપરાધ હો તો એ જ કે ઊજળી પીડાને મેં
ઝબકોળી કાળી શાહીમાં દીધી છે પ્રજાળી

અપરાધ હો તો એ જ કે કાજીથી અદાવત
દર્પણની કચેરીમાં નજર તીરછી ઉલાળી

અપરાધ હો તો એ જ કે પૂછ્‌યું મેં સૂર્યને
પરછાંઈ તારા સ્પર્શ છતાં કાં હજી કાળી

અપરાધ હો તો એ જ કે હું ક્ષણનું મૌન છું
રહીને અવાક ખંગ દઉં શબ્દનો વાળી

અપરાધ હો તો એ જ કે મુરશિદ, તેં જડી છે
ઘટ સાથે ગઝલ, કોઈથી ટળશે નહીં ટાળી

અપરાધ હો તો એ જ કે ગરણું અમે બાંધ્યું
આ ગામને મોંઢે અને ગુસપુસ લીધી ગાળી


0 comments


Leave comment