92.7 - ‘જલન’ માતરી / હરીશ મીનાશ્રુ


શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુર્‌આનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી
(‘જલન’ માતરી)
= = = = = = = = = =
કુર્‌આનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી
સિકર્યા વિનાની તો ય તે હૂંડી રહી નથી

આ વાત ખાનગી છે છતાં અણકહી નથી
જળથી વિખૂટી થૈને નદી ક્યાંય વહી નથી

મસળ્યાં છે આંગળીનાં અમી પણ એ સ્પર્શમાં
ડમરાની પાંદડી જ ફકત મહમહી નથી

જણસે સિલક નથી, ન ખતવણી જમે ઉધાર
અનપઢની પોથી પ્રેમની, ખાતાવહી નથી

યે ખેત રામજી કા, ચિડિયા ભી રામ કી
કોઈએ ચાડિયાને આ વાત જ કહી નથી

મજનૂને ઘેર છો ને પરોણા હો બારે મેહ
રણની ભૂલે સગાઈ તો એ વિરહી નથી

કાગળને સ્પર્શ અમથો સ્વપ્ને ય ક્યાં કર્યો
અમથી ય કલમ કરમાં અમે તો ગહી નથી

એ લાખ મથે તો ય નહીં ઊઘડે ગઝલ
એના ઝૂડામાં ગેબની ચાવી જ રહી નથી


0 comments


Leave comment