92.9 - રમણિક અગ્રાવત / હરીશ મીનાશ્રુ


પંખી ભેગા ટહુકા આવે
પવન ભેગી ગંધ
પાંદડાં પીછાં ગિલોલ કાંકરા
દોરે ગૂંથેલી વાંસળી ભેગા સૂર
ફળની પ્હેલાં ફાળ ભરીને ખાબકે
અહો સ્વાદ
(રમણિક અગ્રાવત)
= = = = = = = = = =
ફળથી આગળ ફાળ ભરીને હજી ખાબકે સ્વાદ અહો
સાંજ પડે કે આદમ ઈવને રોજ કરે ફરિયાદ અહો

અમે વેદનાના વ્યાસંગે ડૂબી ગયા ક્ષણમાં ઊંડે
કઈ કટારી કોણે મારી લગરિકે ના યાદ અહો

શરદ પૂનમનું ચાંદરણું ઊતરી આવ્યું સૂના ઘરમાં
જાણે કે અવતાર સદેહે ધરે જૂનો અવસાદ અહો

બારે મેઘા તત્પર રાખ્યા અમે એટલે નયનોમાં
તને કમોસમ ચહો ગમે તે ક્ષણે તરત વરસાદ અહો

પીઢ અને પ્હોંચેલા પૂરા અમે રિન્દના હુન્નરના
અમને નીરખી દ્રાક્ષવેલને ચઢે ઝનન્‌ ઉન્માદ અહો

આખરટાણે દર્પણનું દિલ સાવ દૂભાઈ કાચ બને
કાયા ને પડછાયા, બેમાં પડ્યો ગહન વિખવાદ અહો

ચૂપ નજરથી ગઝલ કહું છું એ જ અસલ નજરાણું છે
તાંદુલની ગઠરી આગળ જ્યમ તુચ્છ સકળ સોગાદ અહો


0 comments


Leave comment