92.10 - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ / હરીશ મીનાશ્રુ


અંદરથી અગન જેવું, બાહરથી પવન જેવું,
આ શું દઈ દીધું ત્હેં ‘મિસ્કીન’ને મન જેવું.
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
= = = = = = = = = =
અંદરથી અગન જેવું બાહરથી પવન જેવું
ખૂંપે તો તીર, જીવન સૂસવે તો સનન જેવું

એકેક શબ્દે જાણે માંડ્યું છે જઘન જેવું
એકેક શબ્દે કાયમ આવ્યું છે વિઘન જેવું

પડછાયો પણ સમેટી લૈને ચરણમાં ઝટપટ
સરક્યું અણીને વખતે આ કોણ સ્વજન જેવું

જેની અછડતી વાતે મનમાં અકળ ઉદાસી
એનાં જ નિત્યસ્મરણે અંતર છે મગન જેવું

આ સૂર્યચન્દ્ર-ટાંક્યું જરિયાન વસ્ત્ર તારું
પહેરી લીધું તો શાને લાગે છે કફન જેવું

અમને ઊઠી’તી કેવી તો ટીસ જખમ જેવી
જો કે હકીમજીને લાગ્યું એ કવન જેવું

સમજે છે જેને દુનિયા સંવાદ પ્રેમીઓના
એમાંથી વહી નીકળે મધરાતે ભજન જેવું

સોનીને કાંટે જોખી રજકણ વિચારના હું
મનમાં વહું તો ડુંગર આખાના વજન જેવું

પરભોમકા છે પૃથ્વી : અઘરી અજાણી અતડી
કેવળ આ વેદનામાં લાગે છે વતન જેવું

એના વિજોગમાં છે આશ્લેષનો અનુભવ
સગપણ છે દૂરનું પણ લાગે છે મનન જેવું

છે તંગ ગલી જેવું હોવું ભલે ગઝલમાં
ઊડવા મથું તો તરત જ ખૂલે છે ગગન જેવું


0 comments


Leave comment