92.11 - અદમ ટંકારવી / હરીશ મીનાશ્રુ


મારું હોવું મને નડે
તું એવો પણ ઘાટ ઘડે
(અદમ ટંકારવી)
= = = = = = = = = =
મારું હોવું મને નડે
તું એવો પણ ઘાટ ઘડે

એક સફરજન ક્યાંક સડે
સૌનાં મનમાં ડાઘ પડે

પાનબાઈ, હું સાંધું છું
ફાટ્યું પહેરણ વીજ વડે

પડછાયા તો સાબૂત છે
હજી અરીસા કડેધડે

બાંગ લઈને મુલ્લાંજી
મસ્જિદ પાછળ રોજ તડે

પરોઢિયું કે પ્રભાતિયું
એ બેમાંથી કોણ ચડે

કોઈ દ્રાક્ષને ચૂંટે ત્યાં
ખાય લથડિયાં ને ત્રફડે

કોઈ કોતરી મદિરાને
તાજી એક દરાખ ઘડે

ખખડ થતી ને ખોડંગા-
-તી ભાષામાં તરડ પડે

એમાંથી જો ઈશ્વરનો
ફણગો એક ફૂટે હવડે

ગઝલ કહીને ખાલી કર
અવળકૂવો તું ઘડે ઘડે


0 comments


Leave comment