92.12 - રાજેન્દ્ર શુક્લ / હરીશ મીનાશ્રુ


એક ને એક જ સ્થળે મળિયેં અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે
પિંડ ક્યાં પેટાવવા પળિયેં અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે
(રાજેન્દ્ર શુક્લ)
= = = = = = = = = =
સ્થળ ન હો એવાં સ્થળે મળિયેં અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે
ટોચ પર કે તેજને તળિયે અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે

શબ્દની વચ્ચે અવિચળિયેં અમે
સ્હેજ ઠરીયેં સ્હેજ ઓગળિયેં અમે
જો અડે ઝાકળ તો પ્રજ્વળિયેં અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે

નિત્ત કંદૂક થૈને ઊછળિયેં અમે
જળકમળવત્‌ નિત્ત ખળભળિયેં અમે
ઠેઠ કાલિયને શિરે મળિયેં અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે

બાણ બિસતંતુ બને મૃગ જોઈને
કોઈ પણ રેખા ન રોકે કોઈને
મોહિયેં ના સ્વણકાંચળિયેં અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે

જાર જીવતર બે’ક મૂઠી બાજરી
પાછલી તે ખટઘડીની હાજરી
એમનાં દળણાં સતત દળિયેં અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે

આવડું વૈકુંઠ લૈ પરભાતિયે
ઘર વસાવ્યું ક્યાંય જો ગુજરાતીએ
ઝૂલિયેં ભાષાના ચાકળિયે અમે
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે


0 comments


Leave comment