91.18 - ચિનુ મોદી / હરીશ મીનાશ્રુ


એક પરપોટો પુનઃ પાણી થશે, કોને ખબર ?
(ચિનુ મોદી)
= = = = = = = = = =
એક પરપોટો પુનઃ પાણી થશે, કોને ખબર ?
આપણી પૃથ્વી ય ધૂળધાણી થશે, કોને ખબર ?

જાત ઓળખતાં જ અણજાણી થશે, કોને ખબર ?
શાહીના સ્પર્શે સહજ શાણી થશે, કોને ખબર?

ઊડતા પંખીની પરછાંઈ જે પકડે જાળમાં
પારધી એ સતનો સ્હેલાણી થશે, કોને ખબર ?

આવી પ્હોંચી છે કોઈ ગંગા પ્રગટવાની ઘડી
કઈ ક્ષણે કથરોટ આ કાણી થશે, કોને ખબર ?

બહુરૂપી છે જિંદગી : ઝીંકાઈને એ ઘણ થશે
પીલવાને એ તરત ઘાણી થશે, કોને ખબર ?

કેટલાં વર્ષે મળ્યો મોકો તો મળીએ એમને
એ બહાને આજ ઉઘરાણી થશે, કોને ખબર ?

સાચવી લો ઓસનાં ટીપાંનો ઈશ્વર આંખમાં
જો સરી જાશે તો સરવાણી થશે, કોને ખબર ?

કાલ સુધી શબ્દનાં છાણાં વીણ્યા કરતી હતી
એ જ ક્ષણ પીડાની પટરાણી થશે, કોને ખબર ?

વૈદજીએ આખરે ઓસડ કહી, આપી ગઝલ
વ્રણ રૂઝાઇને હવે વાણી થશે, કોને ખબર ?


0 comments


Leave comment