91.19 - લાભશંકર ઠાકર / હરીશ મીનાશ્રુ


અંધકારમાં અકથ્ય એકાંતમાં
નીરવ સમયમાં તરફડતું એક પક્ષી છું,
તેવા કથનમાં તો માત્ર અને માત્ર
વાગ્મિક અલંકાર રચાયો.
તે રચનામાં હું નથી તેની મને જાણ છે
પણ હું શું છું અને ક્યાં છું તેની અને
શા માટે છું તેની ય મને જાણ નથી !
(લાભશંકર ઠાકર)
= = = = = = = = = =
નીરવ સમયમાં તરફડતું એક પક્ષી છું
શ્લોકાતુર કૈં બડબડતું એક પક્ષી છું

હું ફડફડતો કાગળ છું કે કાગળ પર
ચિતરામણમાં ફડફડતું એક પક્ષી છું

કોઈ ધનુર્ધરની છાતીમાં નીડ રચી
શરસંધાને ધડધડતું એક પક્ષી છું

દેવહૂમાની દંતકથાથી દાઝેલું
ટાઢી રાખે તડતડતું એક પક્ષી છું

વસંતને ચાંચો મારી ટહુકે ટહુકે
બીજ થકી તરૂવર ઘડતું એક પક્ષી છું

બ્રહ્માંડોને ગૂમ કરીને બીજી પળે
ઈંડાની વચમાં જડતું એક પક્ષી છું

જુગ જુગથી આકાશે ઘૂંટું હું જ મને
છતાં હજી ના આવડતું એક પક્ષી છું

પવન પડીને પથ્થરઢગલો બની ગયો
એ પાવાગઢ પર ચડતું એક પક્ષી છું

જરી કોચતાંવેંત સફરજન ઊડી ગયું
હજુ એ જ ડાળે સડતું એક પક્ષી છું

અનુષ્ટુપમાં ચાંચ ઝબોળી સ્વપ્નામાં
તમસાને તીર તરફડતું એક પક્ષી છું


0 comments


Leave comment