3.2 - દૃશ્ય – ૨ / અંક ૨ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(ભીષ્મ, કુંતી અને ગાંધારી દૃશ્યમાન, ભીષ્મ હવે થોડા વૃદ્ધ લાગે છે.)
કુંતી : મહારાજ પાંડુના મૃત્યુ પછી એમના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિરને હસ્તિનાપુરના યુવરાજ તરીકે ઘોષિત કરવાનો સમય આવી ગયો છે, પિતામહ.
ગાંધારી : પિતામહ, જ્યેષ્ઠ પુત્રને જ રાજગાદીએ બેસાડવાની પરંપરા હોય તો મહારાજ ધૃતરાષ્ટ્ર સાથે અન્યાય કેમ ? ને કુંતી એ વિસરી જાય છે, કે હવે હસ્તિનાપુર નરેશ મહારાજ ધૃતરાષ્ટ્ર છે અને એમના જ્યેષ્ઠપુત્ર તરીકે દુર્યોધનને યુવરાજપદે ઘોષિત કરવો જોઈએ.
કુંતી : મહારાજ પાંડુના અપમૃત્યુને કારણે મહારાજ ધૃતરાષ્ટ્રને સત્તા સોંપવામાં આવી હતી.
ગાંધારી : સાચા ઉત્તરાધિકારી તો મહારાજ ધૃતરાષ્ટ્ર હતા. એ તો પિતામહે...
કુંતી : (ગાંધારીને) તમે એ કેમ વિસરી ગયા, કે જેઠજી જન્મથી અંધ હતા અને પિતામહ.....

ભીષ્મ : સત્તા પ્રાપ્તિ માટે કુરુકુળની સ્ત્રીઓ પણ હવે ક્લેશ કરશે ? એ સત્ય છે, કે પાંડુને રાજસત્તા મેં સોંપી હતી અને એ પણ માતા સત્યવતીની અનુમતિ લઈને ! ધૃતરાષ્ટ્ર અંધ હતો અને અંધને રાજગાદીએ બેસાડવાથી બીજી ઘણી આપત્તિઓનો સામનો કરવાનો આવત.
ગાંધારી : કેવી આપત્તિઓ પિતામહ ?
(ભીષમ મૌન.)
એ અંધ હતા, એનો લાભ લઈને તો તમે છળથી મારા લગ્ન એમની સાથે કર્યા અને એ પણ કેવળ વંશવૃદ્ધિ માટે !
ભીષ્મ : ગાંધારી !
ગાંધારી : ક્ષમા પિતામહ પણ સત્ય એ છે, કે દુર્યોધન યુવરાજપદનો ઉત્તરાધિકારી છે. કુંતીએ જ સમજીને મમત છોડવી જોઈએ.

કુંતી : પિતામહ અને સમગ્ર ભારતવર્ષ જાણે છે, કે મહારાજ પાંડુએ હસ્તિનાપુરની પ્રગતિ કઈ રીતે કરી હતી તે. જેઠજીએ તો કેવળ સિંહાસને બેસવાનું હતું. બાકી, બધો કારભાર તો વિદુર અને પિતામહ જ ...
ભીષ્મ : ગાંધારી, કુંતી સત્ય કહી રહી છે.
ગાંધારી : પણ હવે ? દુર્યોધન અંધ નથી, મહારાજ ધૃતરાષ્ટ્રના અંધત્વની સજા દુર્યોધનને શા માટે ?
ભીષ્મ : લાગે છે, હસ્તિનાપુરને બે ભાગમાં વિભાજિત કરવાનો સમય આવી ગયો છે. તમે બંને જઈ શકો છો. હું વિદુર સાથે યોગ્ય પરામર્શન કર્યા પછી નિર્ણય કરીશ.
(ગાંધારી અને કુંતી બંને પ્રણામ કરીને જાય છે. ભીષ્મ વિચારમગ્ન.)
સત્તાની લાલચ મેં કરી હોત તો ? હજી તો હું જીવિત છું અને આ લોકો હસ્તિનાપુરનું વિભાજન ઇચ્છી રહ્યા છે ? આવતીકાલે ભીષ્મ નહીં હોય ત્યારે આ હસ્તિનાપુર અખંડ રહેશે કે કેમ ?

(વિદુરનો પ્રવેશ.)
વિદુર : હસ્તિનાપુર અને અખંડ ? ક્ષમા કરજો પિતામહ, પણ જે દિવસે તમે પ્રતિજ્ઞા લીધી હતી. એ જ દિવસથી હસ્તિનાપુરનાં પરિમાણો બદલાયાં હતાં. તમારી પ્રતિજ્ઞાએ એક નાની તિરાડ આવશ્ય પાડી હતી હસ્તિનાપુરમાં. એ તિરાડ હવે દિવસે ને દિવસે મોટી થતી જાય છે, પિતામહ.
ભીષ્મ : વિદુર, તું પણ મને નથી સમજી શક્યો.
વિદુર : પિતામહ, આ તો જે સત્ય મને દેખાય રહ્યું છે, તે કહી રહ્યો છું.
ભીષ્મ : તને વીતી ગયેલું સત્ય દેખાય છે પણ વર્તમાન પ્રશ્ન નથી દેખાતો ?
વિદુર : એ પણ દેખાય છે, પિતામહ. એ પ્રશ્ન પેલા સત્યના મૂળમાંથી જ ઉદ્દભવ્યો છે.

ભીષ્મ : વિદુર, તને દલીલોમાં જીતી શકાય એમ નથી. આજે, મોટો પ્રશ્ન એ છે, કે યુવરાજપદે ઘોષિત કોને કરવો ?
વિદુર : યુધિષ્ઠરને.
ભીષ્મ : હું પણ એ જ ઇચ્છી રહ્યો છું. પણ દુર્યોધન શાંત બેસી રહેશે ?
વિદુર : તો શું ભીમ અને અર્જુન શાંત બેસી રહેશે ? મહારાજ પાંડુના ઉત્તરાધિકારી તરીકે યુધિષ્ઠરને જ યુવરાજપદે ઘોષિત કરવો જોઈએ.

ભીષ્મ : ધૃતરાષ્ટ્ર આ વાત સ્વીકારશે કે કેમ ?
વિદુર : કોઈ પણ નિર્ણય કોઈ એક પક્ષ માટે અસંતોષ લઈને આવશે. નિર્ણય એવો કરો કે જેથી તમને તો ન્યાય કર્યાનો સંતોષ મળે !
ભીષ્મ : તું સત્ય કહી રહ્યો છે. યુધિષ્ઠિરને સત્તા સોંપવામાં જ ન્યાય રહ્યો છે. પાંડુના પરિશ્રમનું સુફળ એને પ્રાપ્ત થવું જોઈએ, નહીં કે દુર્યોધનને. આવતી કાલની રાજસભામાં મહામંત્રી વિદુર તમે યુધિષ્ઠિરની યુવરાજ તરીકે ઘોષણા કરજો.
વિદુર : (પ્રસન્ન મુખે) જેવી આજ્ઞા, પિતામહ.
(અંધકાર.)


1 comments

jaybarochiya

jaybarochiya

Feb 22, 2019 11:42:35 AM

nice

1 Like


Leave comment