34 - ઠાલાં દીધા છે મારાં બારણાં… / રમેશ પારેખ


ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધા છે મારાં બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હડસેલતીક જાગું
દયણે બેસું ને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું
બારણાંની તૈડમાંથી પડતા અજવાસને ટેકે ઊભી રે મારી ધારણા

કૂકડાની બાંગ મોંસૂઝણાની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડીયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલે બે જગાવે
ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુને બાંધી લ્યે થઈને સંભારણા

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધા છે મારાં બારણાં.

(કવિ શ્રી અનિલ જોશી સાથેની સહિયારી રચના.)


0 comments


Leave comment