25 - ચૂપ / રમેશ પારેખ


હરએક દ્વાર સ્તબ્ધ છે, હરએક ઘર છે ચૂપ,
શેરી ને ચોક આટલાં કોના વગર છે ચૂપ...

થડકે હવામાં છાનું છાનું કોઈ ડૂસકું
અંદર કશોક ભાર છે, ઉપર ઉપર છે ચૂપ.

ચુપકીદીમાં બધી જ ખલલ ઓગળી ગઈ,
ઘટના, અવાજ, સર્વ ક્રિયા, સૌ અસર છે ચૂપ.

એવી કઈ બિહામણી ઘટના બની ગઈ ?
હરએક શૈ, હરએક સૂ, હરએક નજર છે ચૂપ.

પીડા બરફની જેમ થીજી ગઈ છે આસપાસ,
છાતીમાં શ્વાસનીય બધી ચડઊતર છે ચૂપ.

સાંકળ હલે, બળે છે દીવો, ખાલી માર્ગ છે;
ચાલ્યું ગયું છે કોણ કે આખું નગર છે ચૂપ.

સંકેતની લિપિમાં લખ્યો આ ક્યો વૃતાંત,
કોઈ ઉકેલો, એમાં કઈ કઈ ખબર છે ચૂપ.

(૨૫-૦૫-૧૯૭૫ / રવિ)


0 comments


Leave comment