26 - શક્યતા નામની સ્ત્રીનો પતિ / રમેશ પારેખ


શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ઘરડો છે
ઉપરથી શહેરનું શુભનામ શ્રીછબરડો છે

હાથ ખાલી હતો; જોયો ને બોલ્યો જ્યોતિષી :
‘શ્રીમાન આપના તો હાથમાં ભમરડો છે

કોણ છઠ્ઠી વિભક્તિભેર આવું ભટકાયું
કે મારા શ્વાસમાં પણ કાચ જેવી તરડો છે

આમ તો પાંદડું એક જ ખર્યું’તું ડાળેથી
પરંતુ આખીયે લીલાશ પર ઉઝરડો છે

સ્વનામધન્ય વિષે હું તો આટલું જાણું
(એ ઘાસ ખાય છતાં) એનો ટાપ કરડો છે

સૂર્યનો ચાબખો ઝીંકાય ને હું દોડું છું
હું અશ્વ છું ને મારો લોહીઝાણ બરડો છે

કોણ છોડાવશે મારી કુંવારી આંખોને
છે કિલ્લો બંધ ને ફરતો ર.પા.ને ભરડો છે

(૧૪-૧૨-૧૯૭૬ / મંગળ)


0 comments


Leave comment