27 - નડતી નથી દીવાલને / રમેશ પારેખ


નડતી નથી દીવાલને બાબત વિચારની
માણસની આસપાસ છે હાલત વિચારની

આંખોનું પોત સાવ ઉઘાડું પડી ગયું
ઘર ઢાંકતી તે તૂટી પડી છત વિચારની

એનો ક્યો મુકામ હશે કંઈ ખબર નથી
રઝળ્યા કરે છે આખી વસાહત વિચારની

આંખોથી છેક દ્રશ્ય સુધી શૂન્યતાની આણ
આવી ગઈ છે જાણે કયામત વિચારની

લોહીમાં કોણ જાણે શું ગુનો ભળી ગયો
રૂંવે રૂંવે ભરાય અદાલત વિચારની.

(૨૫-૦૯-૧૯૭૦ / શુક્ર)


0 comments


Leave comment