28 - તરાપો ખરાબે ચડે / રમેશ પારેખ


તરાપો ખરાબે ચડે એય સાચું
છતાંયે ન દરિયો જડે એય સાચું

જો મળીએ તો મળવું બની જાય બોજો
અને સૌને મળવું પડે એય સાચું

નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એય સાચું

કદી આવે ઠોકર મદદગાર થઈને
નડે તો ચરણ પણ નડે એય સાચું

છું પથ્થર વિષે કોતરાયેલું પંખી
ને પાંખો સતત ફડફડે એય સાચું

(૨૯-૧૧-૧૯૭૦ / ગુરુ)


0 comments


Leave comment