29 - તમારા વગર / રમેશ પારેખ


તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે

તમે ઘર કે શેરી બદલશો પરંતુ
ભીંતોની વફા એકધારી જ રહેશે

આ બારીથી થઈ ના શકાશે બગીચો
એ છેવટ સુધી માત્ર બારી જ રહેશે

ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી
એ ખારી જમીનો તો ખારી જ રહેશે

પગેરું હયાતીનું જોયું છે કોણ ?
કે એ તો ફરારી ફરારી જ રહેશે

આ હું, આ પથારી ને આ પાસાંબાજી
છે જૂના જુગારી જુગારી જ રહેશે

(૧૧-૧૨-૧૯૭૩ / મંગળ)


0 comments


Leave comment