30 - શું છે...? / રમેશ પારેખ


આ આંખ ધૂળ છાંયડા અજવાસ વગેરે
શું છે ધબકતી નાડીઓ ને શ્વાસ વગેરે

પરપોટા શું છે, શું છે આ ભરતી વમળ ને ધોધ
જળ શું છે, શું છે આંખની ભીનાશ વગેરે

શું છે આ ભીડ, શું છે સમૂહ, શું છે આ કતાર
શું છે આ દોટ, શું છે આ વિશ્વાસ વગેરે

શું છે પીડા અને આ પીડાનો શો અર્થ છે
શું છે આ નામ, શું છે આ સહવાસ વગેરે

શું છે નજરનું થાકી જવું, શું છે ઉડ્ડયન
શું છે આ ખાલી સાંજ ને આકાશ વગેરે

શું છે રમેશ, શું છે આ ચશ્માં, શું છે આ ક્ષણ
ઘર શું છે અને શું છે આ અહેસાસ વગેરે

(૦૭-૦૫-૧૯૭૫ / બુધ)


0 comments


Leave comment