77 - હિતોપદેશ… / રમેશ પારેખ


કોણ બેમાથાળું છે જે તરવા નીકળીને ઉથાપે
મહારાજા પૃથુની આજ્ઞાને ?
એ શાહી ફરમાન છે કે
મછવો લઈ તરવા નીકળવું નહીં

આપણે તો તલવારથી રેસના ઘોડા નાથવાના
ધુમાડાને પલોટવાનો સૈનિકી શિસ્તમાં
મહારાજાના મુગલાઈ કેતકીવનોમાં
યદ્ર્ચ્છયા રઝળવાનો પીળો પરવાનો છે...
પણ...

સાંભળો, સાંભળો –
પર્ણોની લીલાશ ખરે તે કહેવાય મહારાજાની લીલા
બીજું કંઈ ન કહેવાય
બીજું કંઈ સમજી ન લેવાય
પારદર્શકતા ફૂટી ગઈ હોય તેવા કાચઘરમાં રહ્યા કરવાનું
અને મલોખાંઓ પર ચણતર કરવાનું સુખની વ્યખ્યાઓનું
કામદૂધા સ્થિતિનાં વૃન્દો થકી
અહીં તો વૃન્દાવન વૃન્દાવન...

પણ આજે એ વાત નહીં કરીએ
હકીકત એ છે કે
પેલા વાદળી મંદિરમાં
જેની આપણે પ્રાણપ્રતિષ્ઠા કરેલી
એ દેવતા
રાતોરાત ક્યાંક પલાયન કરી ગયો છે, તેનું શું ?
આપણે તેને ક્યાં ખોળીશું ?
શું તે એન્સાઈકલોપીડિયામાંથી જડશે ?
એને આપણે પૂછવું છે કે,
હે દેવતા,
તારી સલામતી માટે અમારે કોને પ્રાર્થના કરવી ?


મહારાજા પૃથુની આરૈયતના
વંદનમુદ્રામાં ગોઠવાતા બે હાથ
સારું છે કે નપુંસક છે
નહીં તો એ શું ન કરી બેસે ?
અથવા એમ સમજીએ કે
કરી પણ શું શકે ?
આમ આપણે કરમુક્ત જીવ એટલે બડભાગી

પણ ભાવિકો
આપણી આંખોમાં લટકતી કાગળની વસંતો
આપણે ખરી પડવા દેવી નથી
કોઈ દુર્ઘટના બની જાય નહીં સંભ્રાન્તિમાં
કે
બંધ દરવાજા ભેદીએ ઘૂસી ન પડે અશ્વદળો
એ માટે અદના પ્રજાજન આપણે
તેથી સાવધ રહેવાનું

શક્ય છે કે
આ હવા બળવો કરી ઊઠે
ઓચિંતી જ વાવાઝોડું થઈ ફૂંકાઈ પડે
ત્યારે
આપણાથી તે જોયાનું પાપ વહોરી ન બેસાય એ માટે
સોય ઝાટકીને આંખો મીંચી દેવાની
નહીં તો મહારાજા પૃથુનો પુણ્યપ્રકોપ તમે જાણતા નથી
સર્જાય ધણધણતો વિસ્ફોટ
ફાટી પડે પાતાળો
ચિરાઈ જાય નક્ષત્રો પર્યંતનો વ્યાપ
અને જેના વંશ વિસ્તારનો આંબો હજી કોઈ ચીતરી શક્યું નથી
તે સાત હાજર યુગ જેવડા પરાક્રમી મહારાજા ત્યારે
આપણી સલામતીની કોઈ જિમ્મેદારી લ્યે નહીં

માટે, હે ભાવિક નગરજનો...
શ્રવણે ધરજો
અહીં પ્રત્યેક હોવા પર ચક્રવર્તી શાસન
અહીંના પ્રત્યેક હોવા પર ચક્રવર્તી શાસન
ને એકચક્રી શાસન કરતા મહારાજ પૃથુ
તેથી
મહારાજા પૃથુની જે બોલો
મહારાજા પૃથુનો જે જે કાર કરો.


0 comments


Leave comment