35 - ઓલા અવતરે, સોનલ….. / રમેશ પારેખ


ઓલા અવતરે સોનલ, તમે હતાં પંખણી
ને અમે રે ભેંકારે મ્હોર્યો રૂખડો હોજી
તમે ડાળે આવીને લીલું બોલતાં હોજી
થાવું હશે તે ઊઠયા એવા વંટોળિયા કે
તરણાની ટોળે અમે ઊખડયા હોજી
તડકા લાકડપંખી-શું અમને ઠોલતા હોજી

ઓલા અવતરે સોનલ, તમે હતાં નાગણી
ને અમે જલમ્યા ‘તા ઝામણ નાગ રે હોજી
તમને ફેણ્યુંના છાંયે દેતાં પોઢણાં હોજી
રમતા ઝાલ્યા રે અમને ભેરવ ગારુડીએ
ને જીવતા ઊતરડ્યા છાંયા પંડ્યના હોજી
મણઝર માથે દેવાણાં કાળાં ઢાંકણાં હોજી

આ રે ફેરામાં અમે એવું થયું શું ઓતર્યા
કે લીલો દુકાળ રીબે ગામનો હોજી
અમને કોણે ઠેલ્યા ને કોણે આંતર્યા હોજી

આ રે અવતાર અમે એકલિયા ઓતર્યા
ને બાવળના ઢૂવા ઊગ્યા જીભમાં હોજી
કરતા કોણે ભૂલ્યાની કાળી જાતરા હોજી.


0 comments


Leave comment