92 - જોજન જોજન ચાલ્યા કરીએ… / રમેશ પારેખ


જોજન જોજન ચાલ્યા કરીએ
તો ય અમારા પડછાયાથી
જરા જેટલાં દૂર જઈ ના શકીએ

એકલ દોકલ અને હાંફીએ
ડુંગર જંગલ નગર હાંફીએ
ડુંગર જંગલ વગર હાંફીએ
તરસ હાંફીએ / ઝાંખ હાંફીએ
ખરબચડા શ્વાસે લંબાતી ખરબચડી પગદંડી ઉપર
એકદંડિયા ઓળા સરખા
ધસમસ ધસમસ ધૂળ હાંફીએ

અંધ કાચની બુઠ્ઠીબસ આંગળીઓ સરખી
દિશા
વડે
ચીંધાતા રહીએ
ચોયતરફ વેરાતા રહીએ
ચોયતરફ ફંટાતા રહીએ અમે
અમે તો તરફડાટની ધુમ્મસ ધુમ્મસ લિપિ
અમને કોણ ઉકેલે ?
રણમાં ભૂલી પડેલી મીન સમી
હે વાંકીચૂકી
આડી અવળી
સફેદ કાળી
ઘરગુથ્થુ ઘરગુથ્થુ માસુમ ગલીઓ !
તમને કોણ ફરીથી દરિયે તરતી મેલે ?
અવરજવરની ફૂલવાડીમાં
કાગળનાં ફૂલોનો ઊતરે ફાલ
તો ય તે
પથ્થરની મીણબત્તી ફરતાં પતંગિયાઓ
અજવાળાનીભુખ બની શે ઘૂમે
ઊડી ગયેલા સપનાંઓનાં અણોસરાં સિંગાશન
મારી આસપાસમાં સુખ બની શેં ઘૂમે ?

અમે રઝળતા અધકચરા સરનામા
કોઈ પ્રવાલદ્રીપની સ્મિત કન્યાના વળાંકવાળા અક્ષર
એની ઈચ્છા –ઈચ્છા એ જ અમારો હડહડતો અપરાધ
અમે ભઈ, એના અક્ષર એ જ અમારો હડહડતો અપરાધ
હાથ ધુમાડે ભરવા
મુઠ્ઠી
ઊંચી નીચી થાય એટલું

વણખોડેલા પ્રવાસના આ કાબરચીતરાં બુગદાં
બુગદાં બુગદાંમાંથી ચાલ્યા કરીએ
બુગદે બુગદે ચાલ્યા કરીએ
તો ય અમારા પડછાયાથી
જરા જેટલાં
દૂર
જઈ ના શકીએ.


0 comments


Leave comment