13 - સખી, તમે કોને પૂજ્યાં કે- / રમેશ પારેખ


સખી, તમે કોને પૂજ્યાં કે આંસુડાં દડ દડ દડી પડે રે લોલ
સખી, તમે નીસરો બાવળ હેઠ ને તમને મોતી જડે રે લોલ

સખી, મારા જોણાંના દરબાર કે ભરચક ખાલી પડ્યા રે લોલ
અમને ડંખ્યા એકલવાસ નો ઝેર તો ય નથી ચડ્યા રે લોલ

સખી, મને એવું એવું કૈ થાય કે આમ કાંઈ હશે નહીં રે લોલ
સખી, મને એવું એવું કૈ થાય કે આમ કાંઈ થશે નહીં રે લોલ

હું સોનબાઈ મીરાં નદીનાં પાણી પાતાળથી પાછાં વાળું રે લોલ
કે ઘરમાં ભમ્મર દરિયો ગાળીને વચમાં ડૂબી જાવું રે લોલ

જળ તો ઝાડવું થઈને ઊગે ને દરિયા ખરી જતા રે લોલ
ઝાડના પાંદડે પાંદડે તૂટીને સોનબાઈ સતી થતાં રે લોલ

ઘરમાં બાવન કૈ દરવાજા ને બાવન બારી મેલ્યાં રે લોલ
તો ય સખી આવ્યાં નહીં ઓસાણ કે સોનબાઈ કોનાં ઠેલ્યા રે લોલ

ઘરને મારગ પગલું આજ કે વાળ્યું વળે નહીં રે લોલ
સખી, મને દુખના ખેતરમાં ય કે તરણું મળે નહીં રે લોલ

સખી, અમે દુખપાંચમના દોર લીધા ને તો ય ફળ્યા નહીં રે લોલ
આંખે દીધા છે કાળમીંઢ તાળાં કે આંસુ ઢળ્યાં નહીં રે લોલ

સખી, તમે નીસર્યા બાવળ હેઠ ને તમને મોતી જડ્યાં રે લોલ
સખી, તમે કોને પૂજ્યાં કે આંસુડાં દડ દડ દડી પડે રે લોલ.


0 comments


Leave comment