41 - કૈંક લીલું ચટ્ટાક / રમેશ પારેખ


સુક્કો દુકાળ તારા દેશમાં છતાં ય
અરે, સુક્કો દુકાળ મારા દેશમાં છતાં ય
કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં :
કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં ....
કોઈને તો ઠીક, અહીં જંગલને યાદ નથી પોતાનાં પાંદડાંની વાત
એવા દિવસોમાં જાય પાંગરતી આપણને દોમદોમ લીલી ઠકરાત

એ તો છલકાય બની મોગરાની મ્હેક
બની વયની ગ્હેક
બની હરણાંની ઠેક
એણે રમતી મુકાય : કાંઈ બાંધી રખાય નહીં તોરણની જેમ બારસાખમાં
કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં :
કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં ....

ઉઘાડે છોગે વહે લીલુછમ પૂર : એને ભોગળ નહીં કાંગરા કે દોઢી
જંગલને જોઈ જોઈ લીલુંકુંજાર કરી દેવાનું આળ લઈ ઓઢી
તોડીએ તડાક્ દઈ સુક્કો દુકાળ
પછી આપણી વાચાળ
નહીં તારી પરસાળ
નહીં મારી પરસાળ
પછી વાતું મેદાન : પછી લીલોકુંજાર તપે સૂરજ આ ધુમ્મસતી ઝાંખમાં
કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં :
કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં ....


0 comments


Leave comment