11 - રાધાનું ગીત…. / રમેશ પારેખ

વનરા તે વનની વાટે હો શ્યામ, હવે ફૂંકાતી ઝાંઝવાની લીલા
વનરા તે વનની વાટે હો શ્યામ, હવે ફૂંકાતી ઝાંઝવાની લીલા

પાન પછી પાન લઈ સુક્કી વિદાય
પડે વ્રુક્ષોની ડાળીઓથી છૂટ્ટાં
ઊતરડી જાય કોઈ અણદેખ્યા હાથ
મારી નીંદરું મહીંથી વેલબુટ્ટા

ભણકે હબ્બેસ ક્યાંક બે કાંઠે વાવ ક્યાંક દરિયાના ધોધમાર ચીલા
ભણકે હબ્બેસ ક્યાંક બે કાંઠે વાવ ક્યાંક દરિયાના ધોધમાર ચીલા
વનરા તે વનની વાટે હો શ્યામ , હવે ફૂંકાતી ઝાંઝવાની લીલા

સાચા પડેલ કોઈ શમણા સમી રે
સાંજવેળાથી શેરીઓ છવાતી
ફળિયે અણોસરી હું બેસીને જોઉં
મારી એકલતા આમતેમ વાતી

વાગે ઓસાણ ઘોર જંગલનાં એમ જેમ છાતીની આરપાર ખીલા
વાગે ઓસાણ ઘોર જંગલનાં એમ જેમ છાતીની આરપાર ખીલા
વનરા તે વનની વાટે હો શ્યામ, હવે ફૂંકાતી ઝાંઝવાની લીલા.

0 comments

Leave comment