84 - એક મરશિયું…/ રમેશ પારેખ


ધડૂસ દઈને બારસાખમાં તૂટી પડ્યા
કૈં કેટકેટલા ઊગતા સૂરજ ધડૂસ
રાતચોળ બલોયાં જેવા

અશુંકશુંની ચંપાવરણી ડાળ
ડાળથી ખરી પડેલો આંખ્યુંનો ચંદરવો
તબકે વેરણછેરણ.... વેરણછેરણ.... વેરણછેરણ...

મોભી,
તૂટી પડ્યા અણચિંત્યા ઘરનાં મોભ,
મોભી,
તૂટી પડ્યા અણચિંત્યા ઘરના મોભ,
અને આ ભીંતે વળગ્યા કંકુના થાપાના ઝેરી દાંત
વાગશે જતાં – આવતાં
વાગ્યા કરશે... વાગ્યા કરશે.... વાગ્યા કરશે...

હવે તો સૂરજવંશી
અધૂકડા મારગને છેડે રોજ તમારી ખાંભી
ને રોજ તમારી ખાંભી
ને રોજ તમારી ખાંભી માથે
રતૂમડે લોચન ઘોળાતી
લાલઘૂમ નજરુંના સિંદૂર લીંપ્યા કરશું... લીંપ્યા કરશું... લીંપ્યા કરશું...


0 comments


Leave comment